કમુરતા એટલે શું? ક્યારથી શરૂ થશે? જાણો કમુરતામાં શું કરવું, શું નહીં?
ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે.
કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ અથાર્ત ધનુર્માસ અથાર્ત કમુરતા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં ગુરૂ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમુરતા પૂર્ણ થઇ જાય છે.
ક્યારે બેસશે કમુરતા?
2022માં 16 ડિસેમ્બર અને શુક્રવારના રોજ કમુરતા બેસશે. આ દિવસે સુર્યનો ધન સંક્રાંતિ કાળ સવારે 10.11 વાગ્યે શરૂ થશે. આ સમય એક મહિનાનો હોય છે. તેથી ઉત્તરાયણના દિવસે કમુર્તા પુર્ણ થશે. 14 જાન્યુઆરીના દિવસે રાતે 8.57 મિનિટે મકર સંક્રાંતિ સુધી કમુરતા માનવામાં આવશે. 14 જાન્યુઆરીને રાતના સમયથી કમુરતા પુરા થશે.
કમુરતામાં શું ન કરી શકાય?
ગૃહ પ્રવેશ કે લગ્ન જેવાં કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર , પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઇ નવી વસ્તુની ખરીદી વગેરે જેવાં કાર્યો કમુરતામાં કરવામાં આવતાં નથી.
કમુરતામાં કરવા જોઇએ આ કામ
કમુરતાના સમયગાળા દરમિયાન સુર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સુર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઇએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઇએ. ધાર્મિક યાત્રા કરવી જોઇએ. બ્રાહ્મણ, ગુરૂ, ગાય અને સાધુ-સંતોની સેવા કરવી જોઇએ.
આ પણ વાંચોઃ હળવો માથાનો દુખાવો એ માઈગ્રેનની શરૂઆત તો નથી ને ? જાણો આ લક્ષણો પરથી