સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની માગ, જાણો વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે
આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. અને સરકાર પણ મહિલાઓને આગળ લાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે સવાલ એ પણ થાય છે કે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલુ છે ?
સંસદમાં મહિલાઓની ટકાવારી
સરકાર મહિલાઓને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કરવા છતા સમગ્ર દેશમાં સંસદ અને મોટાભાગની રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 15 ટકાથી ઓછું છે, જ્યારે 19 રાજ્યોની વિધાનસભાઓમાં 10 ટકાથી ઓછી મહિલા ધારાસભ્યો છે.
10 ટકા કરતા વધુ મહિલા ધારાસભ્યવાળા રાજ્યો
સરકારી ડેટા અનુસાર, માત્ર બિહાર (10.70), છત્તીસગઢ (14.44), હરિયાણા (10), ઝારખંડ (12.35), પંજાબ (11.11), રાજસ્થાન (12), ઉત્તરાખંડ (11.43), ઉત્તર પ્રદેશ (11.66), પશ્ચિમ બંગાળ (11.66). 13.70) અને દિલ્હી (11.43)માં 10 ટકાથી વધુ મહિલા ધારાસભ્યો છે.
10 ટકા કરતા ઓછી મહિલા ધારાસભ્યવાળા રાજ્યો
કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરાયેલ ડેટા અનુસાર., આંધ્ર પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ અને તેલંગાણા, રાજ્યોમાં 10 ટકાથી ઓછી મહિલા ધારાસભ્યો છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા2022ની ચૂંટણીમાં મહિલાઓ
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 8.2 ટકા મહિલાઓ જ ધારાસભ્ય બની શકી હતી જ્યારે હિમાચલ પ્રદેશમાં આ વખતે માત્ર એક મહિલા ધારાસભ્ય જ જીતી શકી હતી. ડેટા અનુસાર, લોકસભા અને રાજ્યસભામાં મહિલા સાંસદોની ભાગીદારી અનુક્રમે 14.94 ટકા અને 14.05 ટકા છે.
મહિલા અનામત બિલની માગ
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા સાંસદો અને ધારાસભ્યોના પ્રતિનિધિત્વ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પણ પૂછ્યું હતું, તેમણે એવો પ્રશ્ન પણ પૂછ્યો કે શું સરકારની સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની કોઈ યોજના છે? ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે જાતીય સમાનતા અને ન્યાય એ સરકારની મહત્વની પ્રતિબદ્ધતા છે.તમામ રાજકીય પક્ષોએ સંસદમાં બંધારણ સંશોધન બિલ લાવતા પહેલા સર્વસંમતિના આધારે આ મુદ્દા પર કાળજીપૂર્વક ચર્ચા કરવાની જરૂર છે.
આ પણ વાંચો:યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી ઉજવાઈ, પ્રમુખ સ્વામી મહારાજના જીવન આધારિત સંદેશ અપાયા