રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ, જાણો અત્યાર સુધીના CM અને તેમનો કાર્યકાળ
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારે એક નજર કરીએ રાજ્યના અત્યાર સુધીના મુખ્યમંત્રીના નામ અને તેમના કાર્યકાળ પર….
અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનો કાર્યકાળ
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનો સમય ગાળો 2 વર્ષ 300 દિવસ હતો. તેઓ 1 મે 1960 થી 25 ફેબ્રુઆરી 1963 સુધી સીએમ રહ્યા. તેઓ અમરેલીના હતા.
રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનો કાર્યકાળ 2 વર્ષ 206 સુધી રહ્યો. તેઓ 25 ફેબ્રુઆરી 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓલપાડના હિતેન્દ્ર દેસાઈ 19 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ, 1967 અને 3 એપ્રિલ 1967 થી 12 મે 1971 એમ 5 વર્ષ 245 દિવસ મુખ્યમંત્રી રહ્યા.
રાજયના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાનો કાર્યકાળ 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 1973 સુધી એક વર્ષ 122 દિવસનો રહ્યો.
મુખ્યમંત્રી | CM તરીકેનો કાર્યકાળ |
ડૉ. જીવરાજ મહેતા | 1,238 દિવસ |
બળવંતરાય મહેતા | 733 દિવસ |
હિતેન્દ્ર દેસાઈ | 2,062 દિવસ |
ઘનશ્યામ ઓઝા | 488 દિવસ |
ચીમનભાઈ પટેલ | 1,652 દિવસ |
બાબુભાઈ પટેલ | 1,253 દિવસ |
માધવસિંહ સોલંકી | 2,049 દિવસ |
અમરસિંહ ચૌધરી | 1,618 દિવસ |
છબીલદાસ મહેતા | 319 દિવસ |
કેશુભાઈ પટેલ | 1,533 દિવસ |
સુરેશ મહેતા | 344 દિવસ |
શંકરસિંહ વાઘેલા | 370 દિવસ |
દિલીપ પરીખ | 128 દિવસ |
નરેન્દ્ર મોદી | 4,610 દિવસ |
આનંદીબેન પટેલ | 808 દિવસ |
વિજય રૂપાણી | 1,862 દિવસ |
ભુપેન્દ્ર પટેલ | 454 દિવસ |
રાજ્યના 10મા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો પ્રથમ કાર્યકાળ 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 એમ 221 દિવસનો રહ્યો. બીજો કાર્યકાળ 4 માર્ચ 1998થી 6 ઓક્ટોબર 2001 એમ 3 વર્ષ 216 દિવસનો રહ્યો.
રાજ્યના 13મા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 એમ 12 વર્ષ 227 દિવસનો રહ્યો.
રાજ્યના 14મા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કાર્યકાળ 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 એમ 2 વર્ષ 77 દિવસનો રહ્યો.
રાજ્યના 15મા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021 એમ 5 વર્ષ 37 દિવસ રહ્યો.
ભૂપેન્દ્ર પટેલ ભાજપમાંથી છઠ્ઠા મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ ભાજપમાંથી મુખ્યમંત્રી બનનારા છઠ્ઠા નેતા છે, અગાઉ કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રુપાણી ભાજપમાંથી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. દેશમાં કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી પદે સૌથી વધુ સમય સુધી રહેલા નેતાઓ પર નજર કરીએ તો એવા 6 નેતાઓ છે, જેમણે જે તે રાજ્યના મુખ્યમંત્રી તરીકે 20 વર્ષથી વધુનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
ભુપેન્દ્ર પટેલના નામ નોંધાશે વધુ એક રેકોર્ડ
જો ભુપેન્દ્ર પટેલ પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે તો તેઓ ગુજરાતના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેનારા બીજા વ્યક્તિ બનશે. નરેન્દ્ર મોદી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા છે. જે ગુજરાતનો રેકોર્ડ છે. ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે એક વર્ષ 86 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જો તેઓ 2027 સુધી મુખ્યમંત્રી રહે તો તેમનો કાર્યકાળ છ વર્ષથી વધી જશે. નરેન્દ્ર મોદી સિવાય અત્યાર સુધી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
ભાજપ 10 હજાર દિવસ સત્તા પર રહેનારો પહેલો પક્ષ બનશે
ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ રાજ્યના 17મા મુખ્યમંત્રી છે. ભુપેન્દ્ર પટેલના શાસનમાં ભાજપ ગુજરાતમાં એક રેકોર્ડ પણ સર્જાવા જઈ રહ્યો છે. ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે. આ સમયગાળાને દિવસોમાં પરિવર્તિત કરીએ તો ગુજરાતમાં ભાજપે સત્તામાં 9600 દિવસો પૂરા કર્યા છે. હવે એક વર્ષ 35 દિવસ બાદ ભાજપ રાજ્યમાં સત્તા પર 10 હજાર દિવસ પૂરા કરશે. આમ કરનારો તે રાજ્યમાં પહેલો પક્ષ બની રહેશે. કોંગ્રેસ ગુજરાતમાં 8495 દિવસ સત્તા પર રહી છે.
મુખ્યમંત્રી | પક્ષ | કાર્યકાળ | રાજ્ય |
પવનકુમાર ચામલિંગ | SDF | 24 વર્ષ 165 દિવસ | સિક્કિમ |
જયોતિ બસુ | CPI(M) | 23 વર્ષ 137 દિવસ | પશ્ચિમ બંગાળ |
નવીન પટનાયક | BJD | 22 વર્ષ 279 દિવસ | ઓડિશા |
ગેગોંગ અપાંગ | JDS(S) | 22 વર્ષ 250 દિવસ | અરુણાચલ પ્રદેશ |
લાલ થાનહવલા | કોંગ્રેસ | 21 વર્ષ 55 દિવસ | મિઝોરમ |
વીરભદ્રસિંહ | કોંગ્રેસ | 21 વર્ષ 11 દિવસ | હિમાચલ પ્રદેશ |