શપથવિધિના પગલે અમદાવાદનું એરપોર્ટ રહેશે અતિ વ્યસ્ત, મહેમાનોના ચાર્ટડ પ્લેનનો થશે જમાવડો
ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શપથવિધિ સમારોહ આવતીકાલે એટલે કે ૧૨ ડિસેમ્બર-સોમવારના ગાંધીનગરના હેલિપેડ ખાતે યોજાશે. શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ વીવીઆઇપી મહાનુભાવોને આવકારવા માટે અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સજ્જ થઇ ગયું છે અને તેના સલામતી બંદોબસ્તમાં પણ છે.
વડોદરા એરપોર્ટ પણ સ્ટેન્ડબાય રખાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકમાં વિજય સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ અભૂતપૂર્વ વિજયની ઉજવણી માટે ભાજપ દ્વારા ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. શપથિવિધ સમારોહમાં આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ એરપોર્ટમાં ૩૦ ચાર્ટર્ડ ફૂલાઇટ પાર્ક કરી શકવાની ક્ષમતા ધરાવે છે. શપથવિધિને પગલે ચાર્ટર્ડ ફ્લાઇટ મૂવમેન્ટમાં વધારો જોવા મળશે. કેટલાક ચાર્ટર્ડ ફલાઇટના પાર્કિંગ માટે વડોદરા એરપોર્ટને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યું છે. સોમવારે અમદાવાદ એરપોર્ટના ગુજસેલના ગેટથી બહાર લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોખંડી બંદોબસ્ત, શપથવિધિના પગલે નો ડ્રોન ફલાય ઝોન જાહેર
મહાનુભાવોના આગમનને પગલે એરપોર્ટના સલામતી બંદોબસ્તમાં વધારો કરાયો છે. સીઆઇએસએપ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા એરપોર્ટમાં આવતી તમામ વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઇ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેની જડતી પણ લેવામાં આવે છે. આ ઉપરાંત શપથવિધિને પગલે નો ડ્રોન ફલાય ઝોન પણ સોમવારે જાહેર કરવામાં આવ્યો છે. સોમવારે સવારે ૧૧થી જ મહાનુભાવોનું અમદાવાદ એરપોર્ટમાં આગમન શરૂ થઇ જશે.