ઠંડીનું જોર જામતા તસ્કરો બેફામ : ડીસામાં સતત બીજા દિવસે સાત દુકાનોના તાળા તોડ્યા
- આખોલ ચોકડી પર સાત દુકાનોને નિશાન બનાવી
- સીસીટીવી માં બુકાની ધારી તસ્કરો દેખાયા
પાલનપુર : ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ગઈકાલે (શુક્રવારે) પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી થયા બાદ આજે (શનિવારે) આખોલ ચાર રસ્તા પાસે પણ તસ્કરોએ સાત દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સીસીટીવીમાં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસામાં ચૂંટણી પત્યા બાદ તેમજ ઠંડીનું જોર જામતા તસ્કરો બેફામ બન્યા છે. અને પોલીસને રીતસર પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
ગઈકાલે ડીસા પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી કર્યા બાદ અજાણા તસ્કરોએ આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને ટાર્ગેટ બનાવી હતી .જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જ્યારે શિવમણી એગ્રો મોલ,અમુલ પાર્લર સહિતની દુકાનોના શટર તોડી તસ્કરો માલ સામાનની ચોરી કરી ગયા હતા.
વહેલી સવારે વેપારીઓને જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. ચોરી કરવા માટે આવેલા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દુકાનોના શટરના તાળા તોડતા દેખાયા હતા.
જેમાં ત્રણ બુકાનીધારી શખ્સો ચોરી કરી ગયા હતા. જેથી ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીછે કે છેલ્લા બે દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : 1998માં સ્વ. ગોરધનજી માળીએ ગોવાભાઇ રબારીને હરાવ્યા, તો 2022 માં પ્રવીણ માળીએ સંજય રબારી ને હરાવ્યા