ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : બનાસકાંઠાના 75 માંથી 52 ઉમેદવારોની ડિપોઝીટ થઈ ડુલ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની વિધાનસભા ચૂંટણીમાં નવ બેઠક ઉપર 75 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. જેમાં જે ઉમેદવારોએ મેળવેલ મતોના છઠ્ઠા ભાગના મત મેળવી શક્યા નથી તેવા 52 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ આ ચૂંટણીમાં ડુલ થઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ, ભાજપ, આપ અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ ૭૫ જેટલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જે પૈકીના ભાજપ કોંગ્રેસના 18 અને અન્ય પાંચ ઉમેદવારો મળીને કુલ 23 જેટલા ઉમેદવારો એ પોતાની ડિપોઝિટ બચાવી લીધી છે. પરંતુ 52 ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં હતા. જેમાં મોટાભાગના આપના ઉમેદવારોએ પણ ડિપોઝિટ ગુમાવી છે. જો વિધાનસભા મતવિસ્તાર મુજબ જોવા જઈએ તો, વાવમાં 3, વડગામમાં 9, થરાદમાં 12, દાતામાં 2, દિયોદરમાં 2 ધાનેરામાં 4, પાલનપુરમાં 6, કાંકરેજમાં 5 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નથી.

રાજકીય પક્ષોના ઉમેદવારોને પણ ઓછા મત મળ્યા
બનાસકાંઠા જિલ્લાની આ ચૂંટણીમાં કેટલાક નવા રાજકીય પક્ષના ઉમેદવારો એ પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ તેમણે ખૂબ જ ઓછા એટલે કે મામુલી મતોથી જ સંતોષ માનવો પડ્યો છે. જેમાં વાવ આપ પાર્ટીના ભીમજી પટેલને 1596, ડીસામાં ગરવી ગુજરાત પાર્ટીના રમેશ મકવાણાને 68, ધાનેરામાં જનતા દળના લસાભાઈ બાજગને 427, દાંતાના અપક્ષ ઉમેદવાર કાળાભાઈ ધ્રાંગીને 2082, વડગામમાં જનતા દળના શર્મિષ્ઠા ડાભીને 178, પાલનપુરમાં અપક્ષ જાવીદ પરમારને 310, દિયોદરમાં પ્રજા વિજય પક્ષના નયન પઢારને 2169 અને કાંકરેજ જનસેવા પાર્ટીના માવજી રાઠોડ ને 831 મત મળ્યા હતા.

આ પણ વાંચો :રાજ્યના મુખ્યમંત્રીના નામની થઈ સત્તાવાર જાહેરાત, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ જ ફાઈનલ

Back to top button