બોલિવુડમાં શું છે મોટી ખામી અને કોણ છે તેના માટે જવાબદાર ? કરણ જોહરે કર્યો ખુલાસો
ઘણાં ચાહકો આજકાલ ફરિયાદ કરતાં થઈ ગયા છે કે બોલિવુડ ફિલ્મોમાં હવે પહેલા જેટલી મજા નથી આવતી, અને કેટલીક હદે આ વાત બિલકુલ સાચી છે. સમયાંતરે, હવે સાઉથ સિનેમા પણ બોલિવુડને ટક્કર આપી આગળ વધી રહ્યુ છે. બોલિવુડ સિનેમા જે રીતે પાછળ જઈ રહ્યુ છે, તે મુદ્દે કરણ જોહરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કરણ જોહરે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું છે કે બોલિવુડની ફિલ્મો ફ્લોપ થવા પાછળનું મુખ્ય કારણ શું છે ?
આ પણ વાંચો : વધુ એક નેપોટિઝમની દિશામાં કરણ જોહર, આ અભિનેતાના દીકરાને કરાવશે ડેબ્યુ
બોલિવુડની સ્થિતિ પાછળ જવાબદાર કોણ ?
કરણ જોહરને એક ઈન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું હતુ કે, ‘હાલની જે બોલિવુડની સ્થિતિ છે તે પાછળ કોણ જવાબદાર છે ?’, ત્યારે આ સવાલનો જવાબ આપતા કરણે કહ્યુ કે, ‘આ સ્થિતિ પાછળ આપણે ખુદ જવાબદાર છીએ. કારણ કે બોલિવુડમાં નવી વસ્તુઓનો પ્રયોગ કરવા માટે દ્રઢ નિશ્ચય ભાવ નથી, કારણ કે આપણી આ ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડસ્ અને ફાયદાની આંધળીદોડમાં દોડી રહી છે. એક તરફ મુંબઇ અને દિલ્હીની 60 થી 70 ટકા લોકો બોલિવુડ ફિલ્મો જોવે છે, જેની મોટી અસર ઈન્ડસ્ટ્રીના બિઝનેસ પર થાય છે. પરંતુ હવે, તે ઓડિયન્સ પણ આપણા હાથમાંથી છટકી રહી છે, જેને લીધે બોલિવુડ ફિલ્મોની હરિફાઈમાં પાછળ છૂટી રહ્યુ છે. કારણ કે જે ફિલ્મો પહેલા 70 કરોડ રુપિયાનો બિઝનેસ કરતી હતી, તે આજે માત્ર 30 કરોડ જેટલો જ બિઝનેસ કરી રહી છે અને હવે આપણે આ 30 કરોડને જ 70 કરોડ માનવા પડશે, એવી સ્થિતિ ઉભી થઈ રહી છે.’
સતત એક જ ટ્રેન્ડને ફોલો કરવુ એ બોલિવુડની કમજોરી : કરણ જોહર
આ સિવાય કરણે કહ્યુ હતુ કે,’આપણામાં ફિલ્મોની વાર્તાને લઈને પણ ઓછો વિશ્વાસ જોવા મળે છે. આ સિવાય સતત એક જ ટ્રેન્ડને ફોલો કરવુ એ બોલિવુડનું સૌથી નબળુ પાસુ છે. આપણને 70ના દાયકામાં સલીમ અને જાવેદની જોડી મળી, જેણે સિનેમાને એંગ્રી હીરો આપ્યા, પછી સતત 10 વર્ષ સુધી તે પ્રકારની જ ફિલ્મો બનતી રહી. ત્યારબાદ 80ના દાયકામાં આપણે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાની શરુ કરી, જે આજ સુધી ચાલ્યા કર્યુ છે. 90ના દાયકામાં પણ આપણે લવ સ્ટોરી વાળી ફિલ્મો જોઈ, તે પછી પણ સતત 10 વર્ષ સુધી સતત એવી ફિલ્મો બનતી રહી, 2001માં લગાન આવી, ત્યારે પણ ફિલ્મમેકર્સોએ એવી ફિલ્મો બનાવવાની શરુ કરી, 2010માં દબંગ ફિલ્મ આવી, ત્યારથી કોમર્શિયલ ફિલ્મો બનવાની શરુ થઈ, અને બધાએ સતત કોમર્શિયલ ફિલ્મો બનાવી. આ સતત એક જ ટ્રેન્ડને ફોલો કરવુ એ હવે બોલિવુડની કમજોરી બની ગઈ છે, જે આપણે બદલવી જોઈએ, કારણ કે આ માટે હું, તમે અને આપણે બધા જવાબદાર છીએ.’