ચૂંટણી 2022

વડગામ બેઠક પરથી જીત મેળવ્યા બાદ જીગ્નેશ મેવાણી ફરી આંદોલનના માર્ગે, જાણો ક્યા મુદ્દે આંદોલન શરુ કર્યું

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. અને કોંગ્રેસના વર્ષો જુના ગઢમાં પણ ભાજપે ગાબડાં પાડ્યા છે. પરંતુ  ગુજરાતમાં હજુ પણ કેટલીક એવી સીટો છે જ્યાં ભાજપે અનેક પ્રયાસો કરવા છતા જીત હાંસલ કરી શક્યું નથી, જેમાની એક સીટ વડગામની છે. વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ જીત હાંસલ કરી છે. અને હવે જીત બાદ તેઓ ફરી આંદોલનના માર્ગે જોડાઇ ગયા છે.

વડગામ બેઠક પર મેળવી જીત

બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક ગુજરાતની ચર્ચીત બેઠકોમાની એક બેઠક છે. આ વખતે ભાજપે અહીંથી પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જેથી પરિણામમાં ભારે રસાકસી જોવા મળી હતી. પરંતું અંતે જીગ્નેશ મેવાણીએ જીત હાંસલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ જીત પછી તુરંત જ લોકોના પ્રશ્નને લઈને આંદોલનની શરૂઆત કરી દીધી છે. વડગામમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાતળી સરસાઈ સાથે જીગ્નેશ મેવાણી ફરી એક વખત આ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા છે. જીત બાદ વડગામ વિધાનસભાના કોંગી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રજાની સેવામાં જોડાઇ ગયા છે. જીગ્નેશ મેવાણીએ જીતના બીજા જ દિવસે નર્મદાના પાણીને વડગામ સુધી લાવવા માટેની કામગીરીને લઈને આંદોલન આરંભી દીધું છે.

જીગ્નેશ મેવાણી

જીત મેળવ્યા બાદ ફરી આંદોલનના માર્ગે

દલિત નેતા જીગ્નેશ મેવાણી લોકોના પ્રશ્નોને લઇને સરકાર સામે અનેક લડતો લડી છે. જેથી આ બેઠક પર તેમનો દબદબો જોવા મળી રહ્યો છે. જીગ્નેશ મેવાણી અનેક વખત લોકોના પ્રશ્નોને લઇને સરકાર સામે લડત લડી છે. જેથી તેઓ  હંમેશા ચર્ચામાં રહ્યા છે. ત્યારે આ બેઠક પર લોકોએ જીગ્નેશ મેવાણીને જીત અપાવી છે. તેથી તેઓ ફરી પોતાના કામમાં જોડાઇ ગયા છે. જીત મેળવ્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, 2017ની માફક ફરી આજે મેં મારું કામ ચાલુ કર્યું છે. આંદોલનમાં જોડાવા માગતા તમામને આમંત્રણ છે. પાલનપુર કલેક્ટર કચેરીએ મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવના 192 કરોડ મંજુર તો થયા તેનું કામ સરકાર ક્યારે શરુ કરશે, ખાતમુહૂર્ત ક્યારે કરશે? જીઆઈડીસીની પહેલી ઈટ જલોત્રામાં ક્યારે મુકાશે, તમામ જમીનોની ગરીબોમાં વહેંચણી થાય, યુ એન ચૌધરી કોલેજને ગ્રાન્ડેટ કરવામાં આવે, માઈનોરિટીની ગ્રાન્ટ લાંબા સમયથી પેન્ડીંગ છે તેવા તમામ મુદ્દાઓને લઈને બનાસકાંઠાના કલેક્ટરને આવેદન આપીને ફરી કામગીરી શરુ કરું છું.

જીગ્નેશ મેવાણી રાજકીય ઈતિહાસ

જીગ્નેશ મેવાણીનું નામ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે 2009માં તેમણે ભાજપ સરકાર પર ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ ભૂમિહીન દલિતોને જમીન ન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તેઓ સક્રિય RTI એક્ટિવિસ્ટ બની ગયા હતા. મેવાણીનો વાસ્તવિક રાજકીય ઉદય 2016માં ઉના શહેરમાં દલિતોને માર મારવાની ઘટના પછી થયો હતો. ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચનાથી લઈને 30 વિવિધ સંગઠનોને એક મંચ પર લાવવામાં મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઉભરતો ચહેરો બની ગયા હતા. આ પછી તેઓ વડમામથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને 2022ની ચૂંટણીમાં તેઓ ફરી જીત્યા છે.

આ પણ વાંચો :નવી સરકારની રચનામાં કેટલાક જુના જોગીઓ કપાશે ? કમલમ ખાતે બેઠક પૂર્વે અટકળો બની તેજ

Back to top button