રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા અંગે ઇન્ચાર્જ કુલપતિએ મહત્વનો નિર્ણય કર્યો છે. તમામ પ્રકારની પરીક્ષાઓના CCTV જાહેર જનતા હવે જોઈ શકશે. યુનિવર્સિટીનાં સ્થાપના દિવસનાં કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આ મુદ્દે ઈન્ચાર્જ કુલપતિએ જાહેરાત કરી હતી.
આજે તા.23મી મેના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે રાજકોટમાં ઇન્ચાર્જ VC ડો.ગિરીશ ભીમાણીએ બે મહત્વની જાહેરાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ‘પરીક્ષામાં થતી ગેરરીતિ ડામવા માટે હવેથી તમામ પરીક્ષાઓના CCTV જાહેર જનતા જોઈ શકશે. આ ઉપરાંત ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી પર રિસર્ચ કરવા કેન્દ્ર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. CCTV અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર પરીક્ષામાં ચોરી થવાની ઘટના સામે આવે છે. જેથી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજમાં યોજાનાર પરીક્ષા દરમિયાન તેના CCTV જાહેર જનતા માટે ખુલ્લા મુકીશું. જેથી હવેની પરીક્ષામાં ગેરરીતિ અટકે અને જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ આચરતો ઝડપાઈ તો CCTVની મદદથી મોનીટરીંગ કરી શકાશે.