સુખવિંદર સિંહ સુખુ કે પ્રતિભા સિંહ? હિમાચલમાં કોંગ્રેસ સામે નવો પડકાર
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે, જેના માટે સતત બેઠકો ચાલી રહી છે. હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુખુનું નામ ટોચ પર ચાલી રહ્યું છે. આનાથી પ્રતિભા સિંહ કેમ્પ નારાજ છે અને તેમના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા છે.
પ્રતિભા સિંહના સમર્થકો કહી રહ્યા છે કે પ્રતિભા સિંહને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, કારણકે પ્રતિભા સિંહને જનાદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજીવ શુક્લા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા રાજ્યપાલને મળ્યા હતા, પરંતુ રાજ્યનો કોઈ નેતા આ લોકો સાથે જોવા મળ્યો નહોતો. બેઠક પહેલા રાજીવ શુક્લાએ કહ્યું કે તમામ ધારાસભ્યો આવી ગયા છે અને કોઈ વિવાદ નથી. અમે બેઠક બાદ જઈશું અને અમારી વાત હાઈકમાન્ડને જણાવીશું.
કોંગ્રેસને આ જીત પર ગર્વ છે, પરંતુ હવે તેની સામે એક નવો પડકાર ઉભો થયો છે. પક્ષમાં નારાજગી બાદ ધારાસભ્ય દળની બેઠકનો સમય સાંજે રાખવામાં આવ્યો હતો અને સમય સતત વધારવામાં આવી રહ્યો છે. પ્રતિભા સિંહને મનાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુખવિંદર સિંહ સુખુ રાહુલ ગાંધીની પસંદગી છે, તેથી તેમના નામને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
પ્રતિભા સિંહને મનાવવાનો પડકાર
પ્રતિભાની નારાજગી દૂર કરવી એ કોંગ્રેસ માટે પડકાર છે. ચૂંટણીમાં, કોંગ્રેસે વીરભદ્ર સિંહના વારસાનો ઉપયોગ કરવા માટે પ્રતિભા સિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, પરંતુ કોંગ્રેસ મંડી જિલ્લામાં માત્ર એક જ બેઠક જીતવામાં સફળ રહી છે જ્યાંથી તેઓ સાંસદ છે. આવી સ્થિતિમાં વિક્રમાદિત્ય સિંહને મોટું પદ આપીને મનાવવાનો પ્રયાસ થઈ શકે છે. સુખુ પાસે સંગઠનનો અનુભવ છે અને તે રાહુલની પસંદગી પણ છે, પરંતુ, સુખુને રાજા વીરભદ્રથી 36નો આંકડો છે.