ગુજરાત વિધાનસભા ચૂંટણી : આ નેતાઓને ભાજપે ટિકિટ ન આપી તો લડ્યા અપક્ષ અને જીત મેળવી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ સૌ કાર્યકરો અને નેતાઓએ ટિકિટ માટેના દાવાઓ કર્યા હતા. ઠેરઠેરથી દબાણ પણ કરવામાં આવ્યું હતું છતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ જે નામો સુચવ્યા તેમાં ફેરફારો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષે કેટલાક નામો કાપી નવા લોકોને ટિકિટ આપી રિસ્ક લીધું હતું. જો કે પોતાની ટિકિટ કપાઈ ગયા બાદ આ પૈકીના કેટલાક નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરી હતી. જેમાંથી ત્રણ નેતાઓ જીતી ગયા હતા જ્યારે કે એક નેતા હારી ગયા છે.
કોણ કોણ જીત્યું અને કોણ હાર્યું
ભાજપે પાદરાથી દિનેશ પટેલ, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ, બાયડથી ધવલસિંહ ઝાલા અને ધાનેરાથી માવજીભાઈ દેસાઈની ટીકિટ કાપી હતી. આ સિવાય પણ કેટલાક નેતાઓ અપક્ષમાંથી ચૂંટંણી લડ્યાં હતાં. પરંતુ પરિણામમાં મોટો અપસેટ સર્જાયો હતો. જેમાં ધાનેરા, બાયડ અને વાઘોડિયા બેઠક પરથી ભાજપના ત્રણેય બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં હતાં. હવે આ ત્રણેય નેતાઓને ભાજપ પક્ષમાં લેશે કે નહીં કે અંગે પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તે ઉપરાંત ભાજપના દબંગ ગણાતા ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે પણ ટીકિટ કપાતા ખુલ્લેઆમ બળવો કર્યો હતો. તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ આ બેઠક પરથી અપક્ષમાંથી જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જીતી ગયાં હતાં.
પાટીલ અને વાઘાણીએ આપી છે આ ચેતવણી
ભાજપે અપક્ષ લડી રહેલા બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બીજા તબક્કાના મતદાન પહેલાં કહ્યું હતું કે, પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા ભલે અપક્ષમાંથી જીતી જાય તો પણ તેમને પક્ષમાં પાછા લેવામાં નહીં આવે. આ જ વાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ કરી હતી. ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણ બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં છે. હવે આ જીતેલા નેતાઓને ભાજપ પક્ષમાં પાછા લેશે કે નહીં એ તો સમય બતાવશે.