બંને વિપક્ષ નેતાઓને કેમ કરવો પડ્યો હારનો સામનો?
ગુજરાત વિધાનસભા ઇલેક્શન 2022માં કોંગ્રેસના સાંપ્રત અને પુર્વ વિપક્ષ નેતાની હાર થઇ છે. અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી અને જેતપુર પાવી વિધાનસભા બેઠકના સુખરામ રાઠવાને ઘરભેગા થવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ માટે આ મોટો ઝાટકો છે. આ બંને નેતાઓ કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા હતા, પરંતુ તેઓ તેમની જીતના દાવામાં સાચા પડી શક્યા નથી.
2017માં પાટીદાર આંદોલન ચાલતુ હતુ ત્યારે અમરેલી જિલ્લામાં પાંચ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જેમાં અમરેલી વિધાનસભા બેઠક પર પરેશ ધાનાણી જીત્યા હતા. પરેશ ધાનાણીને 12029 વોટની લીડ મળી હતી.
ધાનાણી કરતા કૌશિક વેકરિયા પર જનતાને વધુ ‘ભરોસો’
2022ની ચુંટણીઓમાં ભાજપે અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ આપી હતી. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવતા હતા. તેઓ અમરેલીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. અમરેલીની જનતાને પરેશ ધાનાણી કરતા કૌશિક વેકરિયા પર વધુ ‘ભરોસો’ છે તે વાત આજે સાબિતા થઇ ગઇ હતી. કૌશિક વેકરિયાને 54 ટકા કરતા વધુ વોટ મળ્યા હતા. પરેશ ધાનાણીને 26 ટકા જેટલા મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોંઘવારી અને લોકોના પ્રશ્નોની વાત કરતા પુર્વ વિપક્ષ નેતા મતદાન કરવા ગેસનો બાટલો લઇને પહોંચ્યા હતા. છતાં લોકોનો વિશ્વાસ મેળવી ન શક્યા.
મતોના વિભાજનનો ‘લાભ’ ભાજપને મળ્યો
જેતપુર પાવી વિધાનસભા સીટ પર પણ આજના રિઝલ્ટમાં આંચકાજનક પરિણામો આવ્યા છે. કોંગ્રેસના સાંપ્રત વિપક્ષ નેતા સુખરામ રાઠવાની હાર થઇ છે. તેઓ કોંગ્રેસમાં આદિવાસી દિગ્ગજ નેતા હતા. ચુંટણીઓ પહેલા કોંગ્રેસે આદિવાસી વોટબેન્કના આધારે સુખરામ રાઠવાને વિપક્ષના નેતા બનાવ્યા હતા. જોકે તેઓ લોકોના દિલ જીતી શકવામાં નિષ્ફળ રહ્યા. આદિવાસી સમાજના અને ભાજપના ઉમેદવાર જયંતિભાઇ રાઠવાને 50 ટકા કરતા વધુ મતો મળ્યા હતા. સુખરામ રાઠવાને માત્ર 18 ટકા વોટ મળ્યા હતા. તેમના કરતા આપના ઉમેદવાર રાધિકાબેન રાઠવાને વધારે મત મળ્યા હતા. પાવી જેતપુર બેઠક પર આપની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન થયુ છે. મતોના વિભાજનનો ફાયદો ભાજપને થયો છે અને જયંતિભાઇ રાઠવા વિજયી બન્યા છે.
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈસુદાન, ગોપાલ અને અલ્પેશ ત્રણેયની શરમજનક હાર