સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દીકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ઉજળું કર્યું છે. વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની પરિવારની 15 વર્ષીય દિવ્યાંગ દીકરી રીન્કુએ ભારે સફળતા મેળવી છે. રીન્કુએ સરકારના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લઈ 200 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. 70 ટકા દિવ્યાંગ હોવા છતાં રત્નકલાકારની પુત્રી રીન્કુ જોરારામ દેવાસી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી. ગૃહરાજ્ય મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીને આ સમાચારની જાણ થતા તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુઅલમાંથી સમય કાઢીને રીન્કુના ઘરે જઈ શુભકામના પાઠવી હતી.
રીન્કુ ચોથા ધોરણથી જ દર વર્ષે સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લે છે
દિવ્યાંગ દીકરીએ સુરતના વરાછાની સરકારી સુમન હાઈસ્કુલમાં ધો.1થી 8નો અભ્યાસ કર્યો છે. હાલ તે ધો.10માં સુમન-2 શાળામાં અભ્યાસ કરી રહી છે. જ્યાં રીન્કુ સાથે સરકારી શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને સાત બાળકો દિવ્યાંગ છે હોવાનું શિક્ષકએ જણાવ્યુ હતું. મહત્વનું છે કે, રીન્કુ ચોથા ધોરણથી જ દર વર્ષે સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લઈ રહી છે.
રીન્કુને શુભકામના પાઠવતા રાજ્યના ગૃહમંત્રી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાના વ્યસ્ત સમયમાંથી રીન્કુ અને પ્રોફેસર નવિનને મળવા માટેનો સમય કાઢ્યો હતો અને રિન્કુના ઘરે જઈને તેના માતા-પિતાને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને રીન્કુને શુભકામનાઓ સાથે પ્રોત્સાહન આપ્યું હતું.
અજાણ્યા અમદાવાદમાં રાત્રે પિતા-પુત્રીની બેલડીને આશરો આપ્યો. જેના પરિણામે વધુ ઉત્સાહ સાથે રીંકુએ ફાઇનલમાં એડી ચોટીનું જોર લગાવીને પડકારોને મ્હાત આપીને શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા જુસ્સાનો વિજય કરાવ્યો.ગોલ્ડ મેડલ જીતીને સાહસિકતાની મિશાલ કાયમ કરી. pic.twitter.com/TZVgJXzsTP
— Harsh Sanghavi (@sanghaviharsh) May 22, 2022
તબિયત સારી ન હોવા છતાં મેળવી સિદ્ધી
રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં સુરતની સ્પેશીયલ ચાઇલ્ડ રીન્કુ જ્યારે 200 મીટર દોડની ફાઇનલમાં પ્રદર્શન કરવા અમદાવાદની યાત્રા ખેડી રહી હતી ત્યારે બસમાં તેને ઉલ્ટીઓ શરૂ થઇ. ફાઇનલના એક દિવસ અગાઉ સ્થિતી ગંભીર બની. આ સ્થિતિમાં બસમાં પિતા સાથે બેસેલા સહયાત્રી પ્રોફેસર નવિને તેમની મદદ કરી હતી.
પ્રોફેસર નવિન બન્યાં દેવદૂત
બીજાને હંમેશા મદદ કરવાના પોતાના સ્વભાવને કારણે પ્રોફેસર નવિને તે રાત્રે રીન્કુ અને તેના પિતાને બસ સ્ટોપ પર સુઈ જવાની જગ્યાએ પોતાના ઘરે લઇ ગયા હતા અને ત્યાં સુવડાવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતે આ બંનેને લઈને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે લઇ ગયા હતા. જ્યાં રત્નકલાકારની દીકરી રીન્કુએ 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો. જેને કારણે રીન્કુ પિતા પણ પ્રોફેસરના આભારી થયા હતા. કે જો બસમાં અને ત્યારબાદ રાત્રી દરમિયાન પ્રોફેસરે તેમને મદદ ન કરી હોત તો તેમની દીકરી ને મળવું જોઈએ તે પ્રમાણેનું પરિણામ ન મળી શક્યું હોત.