AIIMS બાદ હવે ICMR ની વેબસાઈટ ઉપર પણ સાઈબર એટેક, ડેટા સુરક્ષિત હોવાનો દાવો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ICMR)ની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સે એક જ દિવસમાં લગભગ છ હજાર વખત સાયબર એટેકનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરે સાયબર એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, હવે દેશમાં સતત સાયબર એટેકના મામલા સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલમાં જ દિલ્હી AIIMSના સર્વર પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો. સર્વર ડાઉન ટાઈમના કારણે કેટલાક દિવસો સુધી તમામ કામગીરી જાતે જ કરવામાં આવી હતી.
હોંગકોંગના બ્લેકલિસ્ટેડ IP એડ્રેસ દ્વારા હુમલો
આ અંગેના એક અહેવાલ મુજબ, ICMR વેબસાઇટ પર હોંગકોંગ સ્થિત બ્લેકલિસ્ટેડ IP એડ્રેસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ICMRના સર્વરની ફાયરવોલમાં કોઈ સુરક્ષા છીંડા નહોતા, જેના કારણે હેકર્સ દર્દીની માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જો ફાયરવોલમાં કેટલીક છટકબારીઓ હોય તો હેકર્સ સુરક્ષાને બાયપાસ કરવામાં સક્ષમ થઈ શકે છે.
વેબસાઈટ સંપૂર્ણપણે સુરક્ષિત : ANI
સમાચાર એજન્સી ANI તરફથી પણ ICMRની વેબસાઈટ પર સાઈબર હુમલાના પ્રયાસને લઈને માહિતી આવી છે. ANI અનુસાર, ICMRની વેબસાઈટ સુરક્ષિત છે. તે NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) ડેટા સેન્ટરમાં હોસ્ટ કરવામાં આવે છે, ફાયરવોલ NIC તરફથી છે અને તે નિયમિતપણે અપડેટ થાય છે. NIC ને મેઇલ દ્વારા સાયબર એટેકની જાણ કરવામાં આવી હતી અને આ હુમલો અટકાવવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. ICMRની વેબસાઇટ ક્રમમાં છે.
દિલ્હી AIIMSના સર્વર પર પણ સાયબર એટેક થયો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી AIIMSનું મુખ્ય સર્વર 23 નવેમ્બર બુધવારે સવારે ડાઉન થઈ ગયું હતું. બુધવારની મોડી સાંજ સુધી સર્વર ડાઉન રહ્યું, ત્યારબાદ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ તપાસમાં સામેલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોંગકોંગના બે ઈ-મેલ આઈડીથી AIIMS સર્વર પર સાઈબર એટેક થયો હતો. બંને ઈ-મેઈલના આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યા છે. આમાં ચીનની ભૂમિકા સામે આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO)ની તપાસમાં આ વાત સામે આવી છે.