નેશનલ

કાલથી સંસદનું શિયાળુ સત્ર : શાસક અને વિપક્ષ દરેક મુદ્દાઓ ઉપર ચર્ચા માટે તૈયાર

Text To Speech

આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના પરિણામો 7મીએ જ આવી જશે તેમજ હિમાચલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ 8મી ડિસેમ્બરે આવવાના છે. આ રીતે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસથી જ રાજકીય પારો ઉંચકાય તેવી પુરી શક્યતાઓ છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને શિયાળુ સત્રની તૈયારી કરી રહ્યા છે.  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું કહેવું છે કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. આ સાથે જ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સંસદના કામકાજમાં ખલેલ પહોંચાડવાને બદલે મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

કેન્દ્ર સરકારની 16 નવા બિલના ડ્રાફ્ટ રજૂ કરવાની તૈયારી

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બેરોજગારી, મોંઘવારી સહિતના તમામ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી આ સત્રમાં હાજરી આપે તેવી શક્યતા નથી. તેની સમાંતર, કેન્દ્ર સરકાર 16 નવા બિલના ડ્રાફ્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.  જેમાં મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, નેશનલ ડેન્ટલ કમિશન બિલ, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એમેન્ડમેન્ટ બિલ-2022, ટ્રેડ માર્ક્સ એમેન્ડમેન્ટ બિલ-2022 સહિત અન્ય બિલનો સમાવેશ થાય છે.

વિપક્ષ પાસે સત્તાધારી પક્ષને ઘેરવાની તક છે

ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર 2022 કેન્દ્ર સરકાર માટે પડકાર સમાન છે. દેશ હાલમાં બેરોજગારીથી ઝઝૂમી રહ્યો છે. આ સિવાય કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં બે મોટા બિલ લાવી રહી છે. આમાં મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ એમેન્ડમેન્ટ બિલ-2022 ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ વિપક્ષો માટે સરકારને જવાબદાર ઠેરવવા માટે આ સત્ર મહત્વપૂર્ણ છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રણનીતિકારોનું કહેવું છે કે શિયાળુ સત્રમાં અમે કેન્દ્ર સરકારને ઘેરીશું. એવું માનવામાં આવે છે કે શિયાળુ સત્રમાં કોંગ્રેસ સંસદીય કામકાજમાં અડચણ ઉભી કરવાના દાગથી પોતાને દૂર રાખવાનો પૂરો પ્રયાસ કરશે.

Back to top button