ખુબજ દુર્લભ એવા જ્યોતિષના આ પ્રયોગથી થશે જીવનની તમામ મુશ્કેલી દૂર
હિંદુ ધર્મમાં કોઇપણ વિધિ અક્ષત વગર થતી નથી. જે સાધક હળદર કે કેસરથી રંગેલા ચોખાના એક-એક દાણાને વિષ્ણુ સહસ્ત્રના મંત્રથી અભિમંત્રિત કરી ચાંદીની ડબ્બીમાં પૂજાસ્થાનમાં રાખે છે તેને ક્યારેય નિર્ધનતા નડતી નથી. નારિયેળ સમુદ્રના કિનારે વસેલાં શહેરોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સાથેસાથે પૂજા-પાઠમાં પણ વિશેષ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક નારિયેળની ઉપર છાલ ઉતારવાથી તેમાં ત્રણ બિંદુ દેખાય છે. તે નારિયેળની આંખો કહેવાય છે. આ સાધારણ નારિયેળ છે, પરંતુ તેમાંથી જ ક્યારેક એક જ બિંદુ-એટલે કે એક જ આંખવાળું નારિયેળ મળી આવે છે જે ખૂબ જ દુર્લભ વસ્તુ છે. જેને તંત્રમાં એકાક્ષી નારિયેળના નામે ઓળખવામાં આવે છે. જો ક્યારેક તમને આવું એક આંખવાળું નારિયેળ મળી જાય તો તેને ઘરે લઈ આવવું. પછી ભલે તે આકૃતિમાં નાનું હોય કે મોટું હોય. આ નારિયેળ પવિત્ર મંગલમય ધન, સંપત્તિ આપનાર હોય છે. જે ઘરમાં આ નારિયેળ હશે ત્યાં લક્ષ્મીનો વાસ રહેશે.
દિવાળી, હોળી, નવરાત્રિમાં કરેલી પૂજા વધારે ફળદાયક : આ એકાક્ષી નારિયેળને ઘરે કોઈ પવિત્ર સ્થાન ઉપર લાલ વસ્ત્ર કે આસન ઉપર પ્રતિષ્ઠિત કરવું. તેને સાક્ષાત લક્ષ્મી-વિષ્ણુનું રૂપ માનીને પૂજા કરવી. આની પૂજા-પદ્ધતિ ઘણી જ સરળ છે. ધૂપ-દીપ પ્રગટાવવા અને પુષ્પ ચઢાવવાં. શુભ મુહૂર્ત જેમ કે, દિવાળી, હોળી અને નવરાત્રિમાં કરેલી પૂજા વધારે ફળદાયક હોય છે. લાલ આસન ઉપર દેવતાની પ્રતિમાની જેમ જ નારિયેળની સ્થાપના કરવી. અને શુદ્ધ મનથી ધૂપ-દીપ પ્રગટાવી લક્ષ્મી મંત્રના 1008 જાપ કરવા. મંત્ર નીચે મુજબ છે.
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ
શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:॥
ત્યાર પછી દશાંશ હવન કરવો અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યારબાદ નારિયેળને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં મૂકી દેવું. પછી જુઓ લક્ષ્મીની કૃપાનો ચમત્કાર. ઘરમાં ક્યારેય ધનની અછત નહીં વર્તાય. દરેક પ્રકારનાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. કોઈ વસ્તુનો અભાવ નહીં રહે. વ્યાપારી ભાઈઓ દુકાન તથા ફેક્ટરીમાં સ્થાપના કરી વેપારમાં દરરોજ પ્રગતિ કરી શકે છે.
એકાક્ષી નારિયેળના પ્રયોગો : કોઈની સાથે દુશ્મનાવટ હોય તો લાલ કરેણનાં પુષ્પ લઈ દક્ષિણ દિશામાં બેસી શત્રુનું નામ લઈ એક માળાના જાપ કરવા. ૐ હ્રીં બટુકાય પછી તે પુષ્પ શત્રુની સામે ફેંકવાથી શત્રુનો નાશ થાય છે અથવા શત્રુતાનો નાશ થાય છે. ઉપરનાં વિધિ-વિધાન સચોટ અને અદ્ભૂત પરિણામ આપે છે, પરંતુ સત્ય હકીકત એવી છે કે એકાક્ષી શ્રીફળ સાચાં જલદીથી મળતાં નથી. આજકાલ લેભાગુ અને ધુતારા લોકો એકાક્ષી શ્રીફળને નામે બનાવટી શ્રીફળ વળગાડી દે છે એટલે ધાર્યાં પરિણામો મળતાં નથી અને લોકોની શ્રદ્ધા ઉઠી જાય છે.
કાળા ચોખા : કાળા ચોખા મળવા ખૂબ જ દુર્લભ છે. કોઈ વ્યક્તિને ક્યારેક કાળા ચોખા મળી જાય તો તેને સંભાળીને પોતાની પાસે રાખવા. જો આ કાળા ચોખાને એક ડબ્બીમાં બંધ કરીને અન્નના ભંડારમાં મૂક્વામાં આવે તો તે ભંડાર તેમજ ઘરમાં મા અન્નપૂર્ણાનો સદાય વાસ રહે છે અને અન્નનો ભંડાર કદીય ખાલી થતો નથી. સામાન્ય રીતે આસામ કે બંગાળમાં કાળા ચોખા પ્રાપ્ત થઈ શકે છે. આની અવેજીમાં ચોખાનો પ્રયોગ ધન, સંપત્તિ અને પિતૃઓની શાંતિ માટે આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ.
હળદર અથવા કેસરથી રંગેલા ચોખાની ખીર બનાવીને અગિયારસના દિવસે ગાયને ખવડાવે છે તેના ઉપર કામધેનુની કૃપા રહે છે. વિષ્ણુ સહસ્ત્ર નામથી સિદ્ધ કરેલા અક્ષતને દરેક અમાસે તેની ખીર બનાવી કાગવાસમાં નિવેદ સ્વરૂપે ખવડાવે છે તેના સર્વ દોષોનું શમન થાય છે. જે સાધક શ્રી સૂક્તના 16 શ્લોકનું એક ઋચાની એક માળાના નિયમ મુજબ એક-એક મંત્ર બોલતાં બોલતાં ચપટીભર ચોખા તે શ્રી યંત્ર ઉપર ચઢાવે છે અને એ ચોખામાંથી 27 દાણા ચાંદીના કે સોનાના લોકેટમાં ગળામાં ધારણ કરે છે તેના ઉપર સદાય લક્ષ્મીની કૃપા રહે છે.