તારાપુર ચોકડીથી ડુંગળીની મિનિ ટ્રકમાંથી 17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
આણંદઃ તારાપુર પોલીસે મોટી ચોકડી પર વોચ ગોઠવી રોકેલી મિનીટ્રકમાં તલાસી લેતા ડુંગળીની આડમાં છુપાવેલો 17 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સંદર્ભે ટ્રક ચાલકની અટક કરી 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તારાપુર – વાસદ હાઈવે પર ખાનગી વાહનોમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. આથી તારાપુર પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. આ દરમિયાન 21મીની રાત્રે બાતમી મળી હતી કે, ધર્મજ ચોકડી તરફથી સફદ કલરના મિનિટ્રકમાં વિદેશી દારૂ ભરીને વટામણ તરફ જઇ રહી છે.
આ બાતમીને આધારે મોટી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. જેમાં સફેદ મિનિટ્રક આવતા તેને રોકી તેના ચાલકની પૂછપરછ કરતાં તે બાબુલાલ તિલોકરામ (રહે.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. મિનિટ્રકમાં ભરેલા સામાન વિશે પૂછતા તેણે ડુંગળી હોવાનું જણાવ્યું હતું. જો કે, શંકાના આધારે તેને પોલીસ સ્ટેશને લાવી તલાસી લેતા ડુંગળીના કટ્ટા નીચેથી બ્રાન્ચનો વિદેશી દારૂ મળી રહ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસને અલગ અલગ બ્રાન્ટની 300 પેટી કિંમત રૂ.17.34 લાખ મળી આવી હતી. આથી, પોલીસે બાબુલાલ તિલોકારામ સામે ગુનો નોંધી મિનિટ્રક સહિત કુલ રૂ.24,61,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહારાષ્ટ્રથી બગોદરા હાઈવે દારૂ પહોંચાડવાનો હતો
તારાપુર પોલીસે મિનિટ્રક ચાલક બાબુલાલની પુછપરછ કરતાં તેણે આ વિદેશી દારૂ મહારાષ્ટ્રના ધુલીયા સાગરી ખાતેથી દેવરાજ નામના શખસે ભરાવી બગોદરા હાઈવે પર પહોંચાડવા જણાવ્યું હતું.