બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બીજેપી એક્શન મોડમાં, 27 આગેવાનોને કર્યા સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. મહીસાગર જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર ભાજપના કાર્યકરો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પ્રમુખે એક સાથે પક્ષમાંથી 27 લોકોને સસ્પેન્ડ કર્યા છે.
ભાજપના 27 જેટલા સભ્યો સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આક્ષેપ- પ્રતિઆક્ષેપ અને પક્ષ પલટાનો દોર પુરો થતા હવે પક્ષ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ મહિસાગર ભાજપ એક્શન મોડ પર આવી ગયું છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 27 જેટલા ભાજપના સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.
પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી
એક તરફ ભાજપ માંથી ટિકિટ ન મળતા નેતાઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી કરી હતી ત્યારે બીજી તરફ આ ઉમેદવારો સાથે અનેક કાર્યકર્તાઓ પણને વફાદાર ન રહ્યાની વાતો સામે આવી હતી ત્યારે આજે ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ મહીસાગર ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા એક સાથે 27 જેટલા ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરાતા પક્ષમાં ભારેખળભળાટ મચી જવા પામ્યો છે. આ 27 કાર્યકર્તાઓ ચૂંટણી દરમ્યાન ભાજપ પક્ષને છોડી અપક્ષ ને મદદ કરતા હતા. ત્યારે આવા કાર્યકર્તાઓ વિરુદ્ધ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા એક્શન મોડમાં આવી તમામને ભાજપમાંથી તગેડી મુક્યા છે.
આ પણ વાંચો : ખેરાલુ તાલુકાના આ ત્રણ ગામોમાં એક પણ મત ન પડ્યો, જાણો શું છે કારણ
રાજકીય માહોલ ગરમાયો
એક તરફ વિધાનસભાનું મતદાન હાલ જ પૂર્ણ થયું છે, મતદાન પૂર્ણ થતા જ ભાજપમાંથી 27 લોકોને મહીસાગર જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર ભાજપના કાર્યકરો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.