ભાવનગરની MK યુનિવર્સિટીની હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે રેક્ટર સહિત EC સભ્યને ધમકી આપી
ભાવનગરઃ શહેરની યુનિવર્સિટીમાં આવેલ સરકારી સાયન્સ કોલેજના હોસ્ટેલમાં અનઅધિકૃત રીતે રહેતા વિદ્યાર્થીઓ સંદર્ભે જવાબદાર સિક્યુરિટી ગાર્ડને ઈસી સભ્ય તથા રેક્ટરે પૂછતાછ કરતાં લાજવાને બદલે ગાજેલા સિક્યુરિટી ગાર્ડે ઈસી સભ્ય તથા રેક્ટરને બિભત્સ ગાળો આપી ગર્ભિત ધમકી આપતાં ગાર્ડ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.
સમગ્ર બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના કાળીયાબિડ સ્થિત સાગવાડીમાં રહેતા અને એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સીલના સભ્ય તથા સાયન્સ કોલેજના રેક્ટર આઈ.આર.ગઢવીએ તેમને મળેલી ફરિયાદ આધારે સાયન્સ કોલેજના હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડ દશરથસિંહ રાણાને કોલ કરી ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓ સંદર્ભે પૂછતાછ કરતાં ગાર્ડે પુરતી માહિતી આપી નહોતી.
ઉપરાંત ઉશ્કેરાઈ જઈ રેક્ટર તથા ઈસી સભ્યને બિભત્સ ગાળો આપી ગર્ભિત ધમકીઓ આપી હતી. આ વ્યવહારને લઈને ઈસી સભ્ય તથા રેક્ટરે સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.