બોગસ વોટીંગ! હિંમતનગરમાં મતદાન કરવા ગયેલા મતદારને ચૂંટણી અધિકારીએ કહ્યું- “માફ કરશો પણ તમારું વોટિંગ થઈ ગયું છે”
લોકશાહીના મહાપર્વ એવી મતદાનની પ્રક્રિયા સામાન્ય અપવાદોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ વચ્ચે મતદાન દરમિયાન કેટલીક ઘટનાઓ ઘટી હોવાની માહિતી ધીરેધીરે બહાર આવી રહી છે. જેમાં હિંમતનગરના એક બૂથમાં બોગસ વોટીંગ થયું હોવાની ઘટના સામે આવી છે.
બોગસ વોટીંગની ફરિયાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે અમુક જગ્યાએ બોગસ વોટીંગ થયું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. મળતી માહીતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બોગસ વોટીંગ થયું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં મતદાન બૂથ પર મત આપવા ગયેલા મતદારોને ચૂંટણી સ્ટાફે તમારું મતદાન થઈ ગયું છે, તેવું કહી મતદાન ન કરવા દેતા વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો : ખેરાલુ તાલુકાના આ ત્રણ ગામોમાં એક પણ મત ન પડ્યો, જાણો શું છે કારણ
હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન
સાબરકાંઠાના હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં સવગઢ વિસ્તારમાં રહેતો એક યુવાન મતદાન કરવા ગયો ત્યારે તેનુ મતદાન પહેલાથી જ થઈ ગયું હોવાનું ચૂંટણી સ્ટાફે જણાવ્યું હતું. જો કે યુવાનના હાથ પર શાહીનું નિશાન પણ નહોતું. અને યુવાનનો આક્ષેપ છે કે તેઓ મતદાન કરવા માટે ગયા જ નથી તો તેમનું મતદાન કેવી રીતે થયું ? આવા ચારથી પાંચ લોકો દ્વારા તેમનું અગાઉથી મતદાન થઈ ગયું હોવાની ફરિયાદ ઉઠતા, આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.
ચૂંટણી અધિકારીએ માંગી માફી
આ અંગે ઝાકીરભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે, ‘હું મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો હતો. મારી પત્નીએ વોટ આપી દીધો અને મારો નંબર આવ્યો તો કહે કે, તમે મતદાન નહીં કરી શકો, તમારું મતદાન થઈ ગયું છે. મેં કહ્યું, હું અહીં હાજર છું તો મારો વોટ બીજું કોઈ કેવી રીતે નાખી શકે. તો અધિકારીએ કહ્યું કે, માફ કરશો પણ તમારું વોટિંગ થઈ ગયું છે. હવે તમે વોટ નાખશો તો પણ કઈ મતલબ નહીં. એમ કહીને મારી માફી માગી લીધી’.