ભાજપ-કોંગ્રેસ કે આપ : ચૂંટણી પૂર્ણ થતાં જ ત્રણેય પક્ષોએ પોતાની જીત માટે આપ્યા મહત્વના નિવેદનો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આ દરમ્યાન દરેક ઉમેદવારોને હવે પરિણામની રાહ છે. ત્યારે આજે દરેક ઉમેદવારોએ ચૂંટણીના પરિણામોને લઈને વિવિધ પ્રકારના નિવેદનો આપ્યા છે. આ નિવેદનો ભાજપના અલ્પેશ-હાર્દિકથી માંડીને કોંગ્રેસના ભરતસિંહ સોંલકી અને આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ પરિણામને લઈને પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે.
આ પણ વાંચો : વેપારીઓનો અનોખો પ્રયોગ : મતદાન કરો અને ડિસ્કાઉન્ટ મેળવો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી જામખંભાળીયા બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને આજે સવારે તેઓ અમદાવાદના ઘુમા ખાતે તેમની પત્ની હિરલ ગઢવી સાથે મતદાન આપવા પહોંચ્યા હતા, આ દરમ્યાન તેમણે લોકોને મત આપવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત ઇસુદાન ગઢવીએ એવુ નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતના બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી 52 બેઠકો પર વિજય મેળવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે લોકો અમારી પાર્ટીને મત આપી રહ્યા છે, તેથી અમને એમ પણ લાગી રહ્યું છે કે પ્રથમ તબક્કામાં પણ 89 બેઠકોમાંથી 51 બેઠકો પર જીત મળી શકે છે. તેથી અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી 150 બેઠકો જીતશે : હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર
આમ આદમી સિવાય ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરએ પણ 150 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ટીકિટ મળતાં જ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠકથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપતા કહ્યું હતું કે, મેં કોંગ્રેસમાં જવાની ભૂલ કરી હતી. આ વખતે ભાજપ ભારે બહુમતી સાથે 150 બેઠકો પર જીત મેળવશે. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં પરિવર્તન દેખાશે અને ભાજપ આ વખતે 150 બેઠકો પર જીત મેળવશે.
મતદાન ભલે ઓછું થયુ હોય સરકાર ફરી અમારી બની રહી છે : સી આર પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતુ કે,’ભારતીય જનતા પાર્ટી ફરીથી ગુજરાતમાં પોતાની સરકાર બનાવશે, મતદાન ભલે ઓછું થયું હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી તેનું 27 વર્ષનું શાસન યથાવત્ રાખી શકે છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે અને ગુજરાતના વિકાસને આગળ વધારવા અમે ફરી સત્તા સ્થાપી રહ્યા છીએ.’
કોંગ્રેસ 125 સીટ હાંસલ કરશે : ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર
ભાજપ અને આપ સિવાય આ મુદ્દે કોંગ્રેસ તરફથી પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે બીજા તબક્કાના મતદાન દરમિયાન કહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ હાંસલ કરશે. ભાજપના નરેન્દ્ર મોદી સહિત સ્ટાર પ્રચરકોને પ્રજાનો ફિક્કો રિસ્પોન્સ મળ્યો હોવાનુ તેમણે જણાવ્યુ છે.