લોકશાહીનો ‘અવસર’ મત માટે લોકો એકમત, મતદાનમાં જોવા મળી વિવિધતામાં એકતા
ગુજરાત રાજ્યની કોમી એકતાના ઉદાહરણ દુનિયાભરમાં આપવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે તો પછી લોકશાહીનો આ તહેવાર સાથે ન ઉજવે એવું બને જ નઈ. લોકશાહીના અવસરમાં આ જ કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડતી તસવીરો પાટણ જિલ્લામાં જોવા મળી છે.
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા પર લોકો સવારથી જ મતદાન કરવા માટે ઉમટ્યા છે. એવામાં દરેક ધર્મ-જાતિ તેમજ લિંગનો ભેદભાવ ભૂલી લોકો વોટ કરી રહ્યાં છે. વોટ કર્યા બાદ તસવીરો-સેલ્ફી લઈ રહ્યા છે.
આ પણ વાંચો : ખેરાલુ તાલુકાના આ ત્રણ ગામોમાં એક પણ મત ન પડ્યો, જાણો શું છે કારણ
પાટણની ચાર વિધાનસભા બેઠક પર સવારે 8.00 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે લોકો વ્યવસાયના અર્થે પાટણ જિલ્લાની બહાર વસવાટ કરી રહ્યા છે તેઓ પણ આજનો દિવસ ભૂલ્યા વગર અચુક મતદાન કરવા માટે પોતાના વતન આવ્યા છે. પાટણ જિલ્લામાં વિવિધતામાં એકતા દેખાઈ રહી છે.
તમામ જાતિ અને ધર્મનાં લોકો એકસાથે મળીને વોટ કરી રહ્યાં છે. ચૂંટણીનાં અવસરમાં કોમી એકતા અને દેશની વિવિધતામાં એકતાનાં ઉત્તમ ઉદાહરણો દ્રશ્યમાન થઈ રહ્યા છે . વહેલી સવારથી જ પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.