રતલામ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકની ટ્રોલી નીચે કચડાઈ જતા પાંચના મોત
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રોલી રસ્તાના કિનારે બેઠેલા લોકો પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માત ટાયર ફાટવાના કારણે થયો હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના રતલામ જિલ્લા મુખ્યાલયથી 30 કિમી દૂર સત્રુંડા પાસે રતલામ ઈન્દોર ફોરલેન પર થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રોલીની સ્પીડ વધુ હતી અને અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે તે બેકાબૂ થઈને રોડ કિનારે બસની રાહ જોઈ રહેલા લોકો તરફ ગયો અને ઘણાને કચડી નાખ્યા હતા. પોલીસે મૃત્યુઆંક પાંચ ગણાવ્યો હતો. આ ઉપરાંત 10 ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે.
મૃત્યુઆંક વધી શકે છે : પ્રત્યક્ષદર્શીઓ
અકસ્માતના ફૂટેજ જોતા અને જો પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે. સ્થળ પર લોકોના વિકૃત મૃતદેહો પડ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલી આપ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે જ્યાં જ્યાં ટ્રોલી પસાર થઈ છે ત્યાં લાશો પડી છે. કેટલાક લોકો ટ્રોલીના પૈડા નીચે પણ દટાયા હતા. સ્થાનિક લોકોનું માનીએ તો દસથી વધુ લોકોના મોતની આશંકા છે.
ઘટના સાંજે પાંચેક વાગ્યે બની, કલેક્ટર અને એસપી પહોંચ્યા
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. સત્રુંડા ચારરસ્તા પર કેટલાક લોકો બસની રાહ જોઈને રોડ કિનારે બેઠા હતા. ત્યારે હાઈવે પરથી પસાર થતી ટ્રોલી બેકાબૂ બની ગઈ હતી અને લોકોને કચડી નાખતી હતી. કલેક્ટર નરેન્દ્ર કુમાર સૂર્યવંશી અને પોલીસ અધિક્ષક અભિષેક તિવારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. બિલપંક પોલીસ સ્ટેશન અને સ્થાનિક લોકોની મદદથી અત્યાર સુધીમાં 10 ઘાયલોને રતલામ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આમાંથી માત્ર અમુક જ સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે એક બાળકી પણ ત્યજી દેવાયેલી મળી આવી છે, આશંકા છે કે બાળકીના સંબંધીઓનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. ક્રેન મંગાવવામાં આવી રહી છે અને ટ્રક સાઇડમાં કરવામાં આવી રહી છે.