‘પ્રકૃતિની પવિત્રતા જાળવણી એ સૌ નાગરિકોનો ધર્મ છે’
ગાંધીનગરઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા જીવનમાં સંસ્કાર અને આદત બનવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પોતાના કર્મથી મહાન બને છે. સ્વછતાના સંસ્કારથી માનવજાતનું કલ્યાણ થાય છે, પર્યાવરણની રક્ષા થાય છે અને સામાજિક સ્વાસ્થ્યની રક્ષા થાય છે. તેમણે સ્વચ્છતાના સંસ્કારથી સમાજમાં નવી ક્રાંતિ માટે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાજયપાલે જણાવ્યું હતું કે, ઇશ્વરની વ્યવસ્થામાં સહયોગી બનવું એ જ સાચી પૂજા છે. પ્રકૃતિની પવિત્રતા જાળવણી એ સૌ નાગરિકોનો ઘર્મ છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિલોડા ગામમાં યોજાયેલા સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમમાં રાજયપાલએ સફાઇ કર્મયોગીઓનું સન્માન કર્યું હતું અને પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા જન અભિયાન ઉપાડયું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતાથી સ્વાસ્થની પણ રક્ષા થાય છે. રાજયપાલએ સફાઇ કર્મીઓને સ્વચ્છતાના પ્રહરી ગણાવ્યા હતા.
રાજયપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતી ઘરતી મહાપુરૂષોની ઘરતી છે. મહાત્મા ગાંધીજી હમેંશા કહેતા હતા કે, સ્વચ્છતામાં ઇશ્વરનો વાસ હોય છે. આજે ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે. આજે જળ- જમીન અને પર્યાવરણ દુષિત થઇ ગયા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીન બંજર બની રહી છે.
રાજયપાલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સમયે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ધદષ્ટિને કારણે જ ભારતે વેકસીનનાં સુરક્ષાચક્રથી નાગરિકોની રક્ષા કરી એટલું જ નહી અન્ય દેશોને પણ સહાય કરી. આ જ રીતે સ્વચ્છતાના જનઅભિયાન દ્વારા ભારત દેશ અન્ય માટે પ્રેરણારૂપ બનશે. પ્રકૃતિને દુષિત કરવાનું કાર્ય માનવ દ્વારા થઇ રહ્યું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાઇ છે. પ્રકૃતિનું દોહન કરવાથી દુષપરિણામની આજે વિશ્વ સજા ભોગી રહ્યું છે.
ભારતે દુનિયાને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે યોગનું દર્શન કરાવ્યું છે. સદૂવિચાર અને સંયમિત જીવનએ ભારતીય સંસ્કૃતિની દેન છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન પ્રસંગોચિત નહી પરંતુ જીવનનો ભાગ બનવો જોઇએ. સ્વચ્છતા જીવનની આદત બનવી જોઇએ. માત્ર ઘરની સફાઇની ચિંતા જ નહીં, ગલી- મહોલ્લાની સફાઇ કરવી પણ નાગરિક ઘર્મ છે.
સફાઇ કરવાવાળા ગંદકી ફેલાવનારા કરતા મહાન છે. તેમણે સ્વચ્છતાને ઇશ્વરીય કાર્ય ગણાવ્યું હતું. રાજયપાલશ્રીએ સમાજમાં દિકરા- દીકરીની સમાનતા માટે અનુરોધ પણ કર્યો હતો. તેમણે ગામલોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પરિવારમાં બાળકનો જન્મ દિવસ હોય કે લગ્નતિથી હોય આ પ્રસંગે વૃક્ષારોપણ અવશ્ય કરવા સંકલ્પ લો. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કર્યા બાદ તેનો યોગ્ય ઉછેર થાય તેની પણ સંભાળ લો, કારણ વૃક્ષથી પર્યાવરણની રક્ષા થાય છે. વૃક્ષ વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ ઘટાડી ઓક્સિજનની માત્રામાં વઘારો કરે છે. તેમણે વૃક્ષને માનવજાત માટે આશીર્વાદરૂપ ગણાવી લોકોને પ્રકૃતિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.
આ સ્વચ્છતા અભિયાનના આરંભે રાજયપાલે ગામની શેરીની સફાઇ કરી હતી. તેમજ કચરો પણ જાતે ભરીને કચરાપેટીમાં નાખ્યો હતો. આ કાર્યમાં ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, બ્રહ્માકુમારીની બેનો- ભાઇઓ અને ગ્રામજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. તેમજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગામના સરપંચ પણ જોડાયા હતા.