બનાસકાંઠા : ચુંટણીમાં EVM લઈ જતાં તમામ વાહનોનું GPS ટ્રેકિંગ સિસ્ટમથી કરાશે સતત મોનીટરીંગ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ અને આયોજનને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયામાં EVM મશીનનો ઉપયોગ થવાનો છે, દરેક ચુંટણીમાં EVM મશીનની જવાબદારી મહત્વપૂર્ણ હોય છે. ત્યારે EVM લઈ જતાં વાહનો અને ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ વાહનોનું સતત અને સીધું નિરીક્ષણ કરી શકાય એ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
જિલ્લા આયોજન અધિકારી આર. એમ. ઝાલાની નિગરાની અને નિરીક્ષણ હેઠળ કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમની આજે જિલ્લા કલેકટર આનંદ પટેલે મુલાકાત લઈ કન્ટ્રોલ રૂમની કાર્યપદ્ધતિની માહિતી મેળવી જરૂરી સૂચનો અને દિશાનિર્દેશ કર્યા હતા.
પાલનપુર કલેક્ટર કચેરીમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આદર્શ આચારસંહિતાના અમલ સાથે પારદર્શક રીતે ચૂંટણી યોજાય અને દરેક મતદારને પોતાના મતાધિકારનું રક્ષણ મળે એ માટે EVM અને VVPAT મશીનોની સુરક્ષા બહુ જરૂરી ગણાય છે. જેથી EVM/VVPAT મશીનો લઈ જતાં તમામ વાહનો અને રિઝર્વ EVM/ VVPAT લઈ જતાં સેકટર ઓફિસર/ ઝોનલ ઓફિસરો ની ગાડીઓને પણ GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરાઈ છે.
આ સિસ્ટમથી સ્ટ્રોંગરૂમમાંથી મતદાન મથકો સુધીના માર્ગો પર આવા વાહનો અને ગાડીઓનું ટ્રેકિંગ કરાશે અને વાહનોનું સતત લોકેશન મેળવી શકાશે.જેથી વાહનો કેટલા સમયમાં પહોંચ્યા, ક્યાં આગળ કેટલું રોકાયા સહિતની તમામ ગતિવધિઓ જાણી શકાય છે. આજ પ્રમાણે મતદાનના દિવસે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકોના EVM/VVPAT મશીનો જે વાહનો દ્વારા સ્ટ્રોંગરૂમમાં પરત મોકલવામાં આવશે એ વાહનોને પણ GPS ટ્રેકિંગ પ્રણાલીથી સજ્જ કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં ઈલેક્શન ડયુટી માટે ફાળવવામાં આવેલ એસ.ટી બસો સહિતના વાહનોમાં GPS સિસ્ટમ લગાડી દેવાઈ છે. ચુંટણીમાં ઉપયોગ થનારા વાહનોમાં ઈવીએમ તેમજ વીવીપેટની ફાળવણી સાથે કર્મચારીઓ અલગ અલગ બુથ પર જવા રવાના થશે એ તમામ વાહનોનું કન્ટ્રોલ રૂમમાંથી ચોવીસ કલાક સીધુ અને સતત મોનીટરીંગ કરવામાં આવશે.
આ કામગીરીમાં કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ અધિકારીની દેખરેખ હેઠળ એક પાળીમાં પાંચ કર્મચારીઓ રોકાયેલા છે. કંટ્રોલરૂમમાં સ્ક્રીન, કમ્પ્યુટર, ટેલિફોન, ઈન્ટરનેટ સહિત gps ટ્રેકિંગ માટે જરૂરી તમામ સાધનો અને સુવિધાઓ ગોઠવી કંટ્રોલરૂમને સજ્જ કરાયો છે.
આ પણ વાંચો : મતદાનના ગણતરીના કલાકો પહેલાં હાર્દિક પટેલને લાગવા લાગ્યો ડર, જાણો શું છે કારણ