પાલનપુર : થરાદમાં ડોક્ટર ઉપર જીવલેણ હુમલો, પાંચ સામે નોંધાઈ ફરિયાદ
- હોસ્પિટલમાં કાર પાર્કિંગ કરતા સમયે રાત્રે ગાડીને ટક્કર મારી
- ભાજપનો પ્રચાર કેમ કરે છે.. કહી કરાયો હુમલો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યાંજ થરાદ વિધાનસભા મત વિસ્તારમાં એક ડોક્ટર ઉપર ભાજપનો પ્રચાર કેમ કરે છે તેમ કહીને કારમાં આવેલા પાંચ વ્યક્તિઓ એ તેમની ગાડીને ટક્કર મારી હતી. અને લોખંડના સળિયા અને પાઇપો પડે હુમલો કરી ગાડી ના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં ડોક્ટરે હુમલો કરનાર પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
ભાજપનો પ્રચાર કેમ કરે છે.. કહી કરાયો હુમલો
આ ઘટનાની વિગત એવી છે કે, થરાદમાં ક્રિષ્ના હોસ્પિટલ ધરાવતા ડોક્ટર કરસનભાઈ રાણાભાઇ પટેલ શનિવારે મોડી રાત્રે 2:00 વાગે પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ હોસ્પિટલના પાર્કિંગમાં વાહન પાર્ક કરી રહ્યા હતા. આ સમયે તેમનો પીછો કરીને આવેલી નંબર વગરની એક સ્વીફ્ટ કારે તેમના વાહનને પાછળના ભાગે ટક્કર મારી હતી.
આથી ગભરાઈ ગયેલા ડોક્ટર કરસનભાઈએ પોતાના હોસ્પિટલના સ્ટાફને હુમલાની જાણ કરી અને તુરંત તેમના ઘરે આવી જવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કાર લઈને ઘર તરફ હંકારી ગયા હતા. ત્યારે પણ આ નંબર વગરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ ફરીથી તેમની કારને ટક્કર મારી હતી. અને ત્યારબાદ ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ લોખંડના સળિયા અને પાઇપો વડે તેમની કારના પાછળના કાચ તોડી નાખ્યા હતા.
જોકે બચાવ માટે ડોક્ટર કરસન પટેલ પોતાના વાહનમાં લોક કરીને બેસી રહ્યા હતા. આ સમયે હુમલાખોરોએ ડોક્ટરને ધમકી આપી હતી કે, ભાજપનો ઝંડો લઈને કેમ ફરે છે? બહાર નીકળ તારા હાથ પગ ભાંગી જાનથી મારી નાખવો છે. જોકે ડોક્ટરે કાર નો દરવાજો ખોલ્યો ન હતો. આ સમયે હોસ્પિટલનો સ્ટાફ આવી જતા હુમલાખોરો પોતાના વાહનમાં બેસીને નાસી છૂટ્યા હતા. થરાદમાં ચૂંટણી દરમિયાન થયેલી આ ઘટના ને પગલે ભારે અફડા તફડી મચેલી છે.
આ અંગે ડોક્ટર કરસન પટેલે શિફ્ટ કારમાં આવેલા ખીમાણાવાસના ચંદ્રેશ અભાભાઈ રાજપુત અને શ્રવણસિંહ સોઢા (રાજપુત) તેમજ અન્ય ત્રણ શખ્શો સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધી ને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : જો તમે કર્યું મતદાન તો તમને પણ મળશે સસ્તું પેટ્રોલ, જાણો શું છે વ્યવસ્થા