બીજા તબક્કાના મતદાન પહેલાં વડાપ્રધાન મોદી આજે સાંજે પહોંચશે ગુજરાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે સોમવારે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે તેના પહેલાં વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન પોતાના મતનો અધિકાર અદા કરવાના છે. આજે સાંજે જ તેઓ અમદાવાદ આવી જશે અને ગાંધીનગર જવા રવાના થવાના છે. ત્યારબાદ આવતીકાલે સવારે રાણીપમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.
વડાપ્રધાન મોદીનું આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. જ્યાંથી સોમવારે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.
આ પણ વાંચો : ગુજરાતની ચૂંટણી: બીજા તબક્કાની 14 આદિવાસી બેઠકો પર ભાજપ-કોંગ્રેસની નજર, એમપી-રાજસ્થાન સુધી અસર થશે
બીજા તબક્કામાં મતદાનની તૈયારી
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.