મહારાષ્ટ્રમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવઃ ઉદ્ધવ સરકારે કરી VAT ઘટાડવાની જાહેરાત
કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના એક દિવસ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યના લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ સાડા 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. હવે મહારાષ્ટ્ર સરકારે પણ દર ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થશે.
ઉદ્ધવ સરકારે પ્રતિ લીટર પેટ્રોલ પર 2 રૂપિયા 8 પૈસા અને પ્રતિ લીટર ડીઝલ પર 44 પૈસાનો ઘટાડો કરવાની જાહેર કરી છે. જેનો લાભ મહારાષ્ટ્રની જનતાને તો સો ટકા થશે. પણ બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારની તિજોરી પર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાના નિર્ણયના કારણે વાર્ષિક અઢી હજાર કરોડનો બોજ પડશે.
કેટલા હશે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ?
મહારાષ્ટ્ર સરકારના પેટ્રોલમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને 8 પૈસા વેટ ઘટાડવાના નિર્ણયના અમલ બાદ મુંબઈમાં પેટ્રોલ 109 રૂપિયા 27 પૈસા પ્રતિ લીટરે મળશે. તો, સરકારના ડીઝલ પર 1 રૂપિયા 44 પૈસા ઘટાડવાનો નિર્ણયથી હવે ડીઝલનો નવો ભાવ 95 રૂપિયા 84 પૈસા પ્રતિ લીટર હશે.