બળવાખોરો માટે પાટીલે ભાજપના દરવાજા કર્યા બંધ, આપ્યું આ મોટું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અનેક સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાઈ હતી આ ઉપરાંત કેટલાક દાવેદારોને પણ ભાજપે ટિકિટ નહીં આપતા તેઓ નારાજ થયા હતા અને તેમાંના કેટલાક કાર્યકરો અને નેતાઓએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી અથવા પક્ષપલટો કર્યો હતો ત્યારે આજે આ પ્રકારે પક્ષ સાથે દગાખોરી કરનાર સામે આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લાલઆંખ કરી છે અને બળવાખોરી કરનાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ કરતા મોટું નિવેદન આપ્યું છે.
પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું તેવું માનતા હોય તો તેમને લેવાશે નહીં
તેમણે કહ્યું હતું કે, કેટલાક ચાર પાંચ કાર્યકરો જે નારાજ થયા તેમણે ઉમેદવારી કરી છે પરંતુ પાર્ટીએ ચલાવી લીધું નથી. તેમની સામે પગલા લીધા છે. અમે કોઈ પણ ચમરબંધી કે અશિસ્ત ચલાવી લઈશું નહીં. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી વખતે કેટલાક લોકો સામે ગયા અને જીત્યા તેમાંથી કોઈને પણ પાછા લીધા નથી. પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું તેવું માનતા હોય તો તેમને લેવાશે નહીં. જીતે તો પણ તેમને પાર્ટીમાં લેવાશે નહીં.
જીતુ વાઘાણીએ પણ લુણાવાડામાં કરી ટકોર
બીજીબાજુ પાટીલ પહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ આવી જ ટકોર કરી હતી. તેમણે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અપક્ષ લડનારાને હવે ભાજપમાં સ્થાન નહીં મળે.
પક્ષે 19 બળવાખોરોને કર્યા છે સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્ડ થયેલામાંથી જે લોકો અપક્ષમાં લડે છે અને ચૂંટણી જીતી જાય તો તે કોને ટેકો આપશે એ હવે સમય જ બતાવશે પણ હાલમાં જીતુ વાઘાણીના નિવેદનથી અપક્ષોમા પણ વિચારવાનો મુડ પેદા કરી દીધો છે.