ઉત્તર ગુજરાત ભાજપ માટે કેમ છે ચેલેન્જ ? કોંગ્રેસ ફરી બાજી મારશે કે ભાજપ પરિવર્તન લાવશે?
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ 2022માં ઉત્તર ગુજરાત ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યુ છે. ગયા વર્ષે અહીં કોંગ્રેસે બહુમતી મેળવી હતી. આ વખતે ભાજપ પરિવર્તન લાવી શકશે કે જનતા કોંગ્રેસના પુનરાવર્તન તરફ જ આગળ વધશે? ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે.
5 ડિસેમ્બરે 182 વિધાનસભા બેઠકોમાંથી 93 બેઠકો માટે મતદાન થશે. આ ક્ષેત્રના છ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરમાં ફેલાયેલી 32 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે 2012 અને 2017ની ચુંટણીઓમાં 17 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપે ક્રમશઃ 15 અને 14 બેઠકો પર જીત મેળવી હતી. ગઇ ચુંટણીઓમાં એક સુરક્ષિત બેઠક વડગામ અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીના ખાતામાં ગઇ હતી, જેને કોંગ્રેસનું સમર્થન મળ્યુ હતુ.
ભાજપ માટે શું છે જોખમ?
રાજકીય નિષ્ણાતો કહે છે કે સહકારી આલમના દિગ્ગજ નેતા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપને કેટલાક વિસ્તારોના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ઓબીસી અને ચૌધરી સમુદાયની વચ્ચે નારાજગી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
કોંગ્રેસને જુના જોગીઓ પર ભરોસો
વિપક્ષ કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં તેના મોટાભાગના હાલના ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમાંથી 11 લોકોને ફરીથી ટિકિટ આપી છે. તો વળી ભાજપે તેના 14 વર્તમાન ધારાસભ્યોમાંથી માત્ર છને ટિકિટ આપી છે અને બાકીના વિધાનસભા મતદારક્ષેત્રોમાં નવા ઉમેદવારોને તક આપી છે. બંને પક્ષોએ સ્થાનિક જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પાટીદાર અને કોળી સમુદાયોના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આપની અસર નહીં થાય
નિષ્ણાતોનું માનવુ છે કે આપ ઉત્તર ગુજરાતમાં બહુ પ્રભાવ પાડે તેવી શક્યતા નથી. અહીં ગુજરાત અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. તેમનું માનવુ છે કે દક્ષિણ ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કેટલીક સીટો પર આપનો પ્રભાવ પડી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેની શક્યતાઓ નહીંવત છે.
વિપુલ ચૌધરીની ધરપકડથી સમાજ નારાજ
રાજકીય નિષ્ણાતો અને સામાજિક જૂથના સભ્યોના જણાવ્યા અનુસાર 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં સહકારી નેતા વિપુલ ચૌધરીની ધરપકડથી તેમના સમુદાયના લોકો ગુસ્સે ભરાયા છે. આ સમુદાયમાં બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાના મતદારોનો મહત્વપૂર્ણ ભાગ છે. દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર સહકારી પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોવાનો આરોપ છે. ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ચૂંટણી પહેલા આપમાં જોડાવા વિશે અટકળો થઈ હતી પરંતુ આવું થઈ શક્યું નથી.
આ પણ વાંચોઃ વાઘોડીયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ બગડ્યા, જાહેર સભામાં જ અધિકારીઓને આપી ચીમકી