દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણા સીએમના પુત્રી કે.કવિતાને સમન્સ, 6 ડિસેમ્બરે CBI એ બોલાવી
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને CBI દ્વારા બોલાવવામાં આવી છે. કવિતાને 6 ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તપાસ એજન્સી દ્વારા આ સમન મોકલવામાં આવ્યું છે. દિલ્હી દારૂના કૌભાંડ અંગે CBI નોટિસ મળવા પર તેલંગાણા MLC કવિતાએ કહ્યું હતું કે, મને CrPC કલમ 160 હેઠળ CBI નોટિસ જારી કરવામાં આવી છે અને મારો ખુલાસો માંગવામાં આવ્યો છે. મેં અધિકારીઓને જાણ કરી છે કે હું તેમની વિનંતી મુજબ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં મારા નિવાસસ્થાને તેમને મળી શકું છું.
ભાજપ પર રાજકીય બદલો લેવા માટે એજન્સીના દુરુપયોગનો આરોપ
કવિતાને દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર અથવા તપાસ એજન્સીની હૈદરાબાદ ઓફિસમાં હાજર થવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટમાં સીબીઆઈએ દિલ્હીના દારૂ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો અને આઠ લોકો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવની પુત્રીનું નામ દિલ્હીના દારૂ કૌભાંડની તપાસમાં કથિત રીતે લેવામાં આવ્યું છે. ઇડી પણ આ જ મામલે કવિતાની તપાસ કરી રહી છે. જો કે, કવિતાનું કહેવું છે કે ભાજપ દ્વારા રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.