રાજસ્થાન : ઉદયપુર નજીક હાઇવે ઉપર સેનાના ટ્રકમાં આગ, દારૂગોળાને લીધે થયો બ્લાસ્ટ
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ગોગુંડા-પિંડવાડા હાઇવે પર સેનાના ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં દારૂગોળો અને હથિયારો રાખવામાં આવ્યા હતા. આગના કારણે ટ્રક બ્લાસ્ટ થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ વારંવારના ધડાકાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ અને સેનાના જવાનો સ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.
ટ્રકમાં રહેલા બંન્ને જવાન સલામત, આગનું કારણ અકબંધ
મળતી માહિતી મુજબ સેનાની ટ્રકોનો કાફલો પિંડવાડાથી ઉદયપુર આવી રહ્યો હતો. દરમિયાન ગોગુંડા-પિંડવાડા હાઇવે પર થમલા વેરી બકેરિયા પોલીસ સ્ટેશન સર્કલ પાસે કાફલામાંની એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. તે ટ્રકમાં લગભગ બે જવાન હાજર હતા. બંને સુરક્ષિત હોવાનું કહેવાય છે. થોડી જ વારમાં ટ્રકમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પછી તેમાં વિસ્ફોટ થવા લાગ્યા હતા. બ્લાસ્ટને કારણે કોઈ ટ્રકની નજીક જઈ શકતું નથી. આગની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.
બનાવના કારણે હાઇવે ઉપર લાગી વાહનોની કતાર
ઘટના બાદ બીએસએફે વિસ્તારનો કબજો મેળવી લીધો છે. લગભગ 40 સેનાના જવાનો સ્થળ પર તૈનાત છે. આ ઉપરાંત પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બંને રસ્તે 15-15 કિલોમીટર જેટલો જામ છે. ટ્રકમાં વારંવાર થતા વિસ્ફોટના કારણે આસપાસના લોકો ભયભીત છે. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાઈ રહી છે.