ભ્રષ્ટાચાર સામે કઠોર પગલાં શરૂ કર્યા એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું : મોદી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક માટે બીજા તબક્કાનું મતદાન આગામી પાંચ ડિસેમ્બર ’22 ના રોજ યોજાનાર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કાંકરેજ ખાતે આવ્યા હતા. જ્યાં તેમને વિજય સંકલ્પ સંમેલનમાં લોકોને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસના સમયમાં થયેલો ભ્રષ્ટાચાર, નર્મદા ડેમના કામમાં અવરોધ, તીર્થધામોના વિકાસની અવગણના તેમજ ખેડૂતોના દેવા માફી ના મુદ્દા ઉઠાવીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે ભાજપ સરકારે કરેલા વિકાસના કામો લોકોને ગણાવીને બનાસકાંઠાની તમામ બેઠક ઉપર કમળ ખીલાવવા માટે અને જો વિકાસના કામ કર્યા હોય તો વોટ આપજો તેમ જણાવ્યું હતું.
કાંકરેજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જનમેદનીને સંબોધન
કાંકરેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત પાસે ગીર અને કાંકરેજી ગાય જેવી ગૌવંશ જેવી વિરાસત છે. તે આપણી શક્તિ છે. આ વિરાસતને સમૃદ્ધ કરવા સરકારે રાષ્ટ્રીય ગોકુળ મિશન બનાવ્યું છે. જ્યારે ગૌ વંશ ના વિકાસ અને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રિય કામઘેનું આયોગ બનાવ્યું છે. જ્યારે ડેરીના ઉદ્યોગના વિકાસ અંગે તેમને જણાવ્યું હતું કે, બનાસ ડેરી એ બનાસના કિનારેથી ગંગાના કિનારે તેનો વિસ્તાર કર્યો છે. દેશમાં ખેડૂતો અનાજ પેદા કરે છે તેના કરતા વધુ દૂધ ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો :બીજા તબક્કા માટે ધુરંધરો મેદાને, આજે PM મોદી-શાહ ગજવશે સભા
પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એ ખેતીમાં સૂક્ષ્મ પિયત માટેની પદ્ધતિ સ્વીકારી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 70% સૂક્ષ્મ ખેતી થાય છે. તેના લીધે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાના બટાટા અને અનાર (દાડમ)ની દેશમાં નવી ઓળખ મળી છે. જ્યારે સિંચાઈ યોજના માટે કોંગ્રેસે કરેલા અવરોધની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કામ લટકાના, અટકાના અને પટકાના જેવું રહ્યું હતું. સરદાર સરોવર ડેમ ના બને તે માટે કોંગ્રેસ અવરોધ ઊભી કરતી હતી. આવા અવરોધ ઊભા કરવા વાળા લોકોના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા અત્યારે પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતને પાણી વગર તરસતું રાખવાનું પાપ કરનારને કેવી રીતે માફ કરાય. અગાઉ ખાડા ખોદવામાં કોંગ્રેસ કટકી કરતું હતું. ત્યારે નર્મદાનું પાણી ભાજપ સરકારે પહોંચાડ્યું છે. અને હજુ પણ જે જગ્યાએ નર્મદાના પાણી પહોંચ્યા નથી ત્યાં પહોંચાડવામાં આવશે.
તેમ જણાવીને મોદીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસે 2014 પહેલા 99 જેટલી સિંચાઈ યોજનાઓ બંધ કરી હતી. અને તેની ફાઈલો ભાજપ સરકાર આવતા તેને તપાસીને આ પરી યોજનાઓ ફરીથી શરૂ કરી છે. જેના પરિણામે સુજલામ સુફલામ કેનાલ અને નર્મદા કેનાલ બનાવી તેના કારણે આ વિસ્તારમાં ઊડતી ધૂળની ડમરી હવે બંધ થઈ, અને જિલ્લો આખો લીલોછમ થયો છે. તેમ જણાવીને જો અમે વિકાસ કર્યો હોય તો વોટ આપવા જણાવ્યું હતું.
જ્યારે ભ્રષ્ટાચારના મુદ્દે બોલતા મોદીએ જણાવ્યું હતું કે અગાઉ દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો હતો અને ગોટાળાઓને આજે રોજ અહેવાલો સાંભળવા મળતા હતા. આ કટકીના કોણ લઈ(કૉંગ્રેસ)જતું હતું. તે બધાને ખબર છે. તેમ જણાવીને હવે જ્યારે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર પગલાં લઈ રહી છે તેના કારણે કેટલાક લોકોના પેટમાં લડાયું છે. મોદીએ રેશનકાર્ડમાં થતા ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું હતું કે ચાર કરોડ એવા રેશનકાર્ડ હતા, જેમાં કોઈનો જન્મ પણ ન થયો હોય. અને આવા ભૂતિયા નામે ચાલતા રેશનકાર્ડનું અનાજ ખાઈ જતા હતા. તે ભારતિય જનતા પાર્ટીની સરકારે રદ કર્યા હતા અને તમામ કાર્યવાહી ડિજિટલ કરી આધાર કાર્ડ સાથે જોડી દીધા હતા. અને હવે ‘વન નેશન વન રેશનકાર્ડ’ બનાવતા દેશનો સામાન્ય ગરીબ માણસ ગમે ત્યાંથી રાશન મેળવી શકે છે. તેને અનાજ માટે મલખા મારવા પડતા નથી. જ્યારે કોરોના સમયમાં પણ 80 કરોડ લોકોને સરકારે મફત અનાજ આપી આપ્યું હતું. જેના માટે ₹3 લાખ કરોડનો ખર્ચ થયો હતો.
દેશના નાગરિકોને વેક્સિનેશન પણ મફત આપવામાં આવી હતી. ખેડૂતો માટે પણ ભાજપ સરકારે અનેક પગલાં લીધા છે. જેમાં પીએમ કિસાન સન્માન નિધિમાં સિમાંત ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર રૂપિયા 2000 સીધા તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરી છે. બનાસકાંઠાના પાંચ લાખ ખેડૂતોને એક હજાર કરોડ રૂપિયા આ રીતે તેમના ખાતામાં આપવામાં આવ્યા છે. ભાજપ સરકારે સમૃદ્ધ ગુજરાત માટે રેલ, રોડ જેવી માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી છે. જ્યારે વર્ષોથી લટકતી તારંગા- અંબાજી રેલવે લાઇનની ફાઈલ અગાઉ દબાવી રાખવામાં આવી હતી. આ યોજના ભાજપ સરકારે મંજૂર કરી દીધી છે. બનાસકાંઠાના અંબાજી, નડાબેટ જેવા તીર્થધામોનો વિકાસ થતા ગરીબોને રોજીરોટી મળી રહી છે.