ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કામાં કુલ 63.14% મતદાન નોંધાયું, સૌથી વધુ નર્મદા જિલ્લામાં તો સૌથી ઓછું બોટાદ જિલ્લામાં થયું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે 2017ની ચૂંટણી કરતા પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 89 બેઠક પર થયેલા મતદાનમાં કુલ 63.14% વોટિંગ નોંધાયું છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24% મતદાન, જ્યારે સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.58% વોટિંગ થયું.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં ચરણમાં 67 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે આ વખતે મતદાનની ટકાવારી ઘટી છે. આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ જોવા મળ્યું છે, જ્યારે શહેરી વિસ્તારોમાં મતદાનમાં ઘણી નિરસતા જોવા મળી છે જેના કારણે તમામ પક્ષોમાં ચિંતા જોવા મળી રહી છે.
વાંચોઃ પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરાયા
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કયાં કેટલું મતદાન થયું છે તે જોઈએ તોઃ
જિલ્લો | મતદાન (ટકાવારીમાં) |
કચ્છ | 59.80 |
સુરેન્દ્રનગર | 62.46 |
મોરબી | 69.95 |
રાજકોટ | 60.45 |
જામનગર | 58.42 |
દેવભૂમિ દ્વારકા | 61.71 |
પોરબંદર | 59.51 |
જૂનાગઢ | 59.52 |
ગીર સોમનાથ | 65.93 |
અમરેલી | 57.59 |
ભાવનગર | 60.82 |
બોટાદ | 57.58 |
નર્મદા | 78.24 |
ભરૂચ | 66.31 |
સુરત | 62.77 |
તાપી | 76.91 |
ડાંગ | 67.33 |
નવસારી | 71.06 |
વલસાડ | 69.40 |
કુલ | 63.14 |
આ ગામમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો હતો
પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તેમજ ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનો દ્વારા મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
જેમાં ધ્રાફા ગામની વાત કરીએ તો, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં પુરુષ અને મહિલા મતદારો માટે અલગ-અલગ મતદાન મથકની માંગણી કરવામાં આવી હતી. અહીં ફક્ત મહિલા મતદારો માટે મતદાન મથક આપવામાં આવતું હતુ, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ બૂથ કોઈ પણ કારણ વિના કેન્સલ કરી નાંખવામાં આવ્યું હતુ. આથી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વાર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ધ્રાફા રાજપૂતોની વસ્તીનું રાજાશાહી ગામ છે. હાલમાં પણ અહીંના લોકો ઓઝલપ્રથા એટલે કે મર્યાદામાં માને છે. જેથી સ્ત્રીઓ નિ:સંકોચ મતદાન ન કરી શકે, તે માટે અત્યાર સુધી તેમને અલગ જ મતદાન મથક આપવામાં આવતુ હતું. જો કે આ ચૂંટણીમાં કોઈ મનસ્વી ચૂંટણી અધિકારીએ ગ્રામજનો કે સરપંચ કે ગામના કોઈ આગેવાનોને જાણ કર્યા વિના જ સ્ત્રીઓ માટેના આ મતદાન બુથને કેન્સલ કરી સ્ત્રીઓ અને પુરુષો માટે એક સામાન્ય બુથની જોગવાઈ ઊભી કરી દીધી હતી. જેનો સમસ્ત ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સામોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને કારણે નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.