નેશનલ

મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ પર FBIની બાજ નજર, કેલિફોર્નિયામાં ટ્રેક કરાયો

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારને શોધી કાઢવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ગોલ્ડીને કેલિફોર્નિયામાં ટ્રેક કરવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં FBIએ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર નજર રાખવાનું શરૂ કર્યું છે, આ માટે ભારતીય એજન્સીઓ પાસેથી તેની ફાઇલ પણ માંગવામાં આવી છે. હવે તેની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. જોકે, હજુ સુધી ગોલ્ડીને પકડવા અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી.

Sidhu moosewala and Goldy brar
Sidhu moosewala and Goldy brar

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓ કરી રહ્યો છે. કેનેડાથી જ તે ભારતમાં હત્યા અને દાણચોરીનું કામ કરે છે. આ માટે તેને લાખો રૂપિયા મળે છે. તેણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પણ વિદેશમાં બેસીને તેના સાગરિતોએ કરાવી હતી. એ પછી તે અમેરિકા ભાગી ગયો હતો. મૂસેવાલાની હત્યા અંગે ગોલ્ડી બ્રાર વતી એક વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે કબૂલાત કરી હતી કે મૂસેવાલાને તેના કહેવા પર ગોળી મારવામાં આવી હતી.

 

આ વીડિયોમાં ગોલ્ડી બ્રાર માસ્કમાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ગેંગસ્ટરે એ પણ જણાવ્યું હતું કે તેણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેમ કરાવી. તેણે કહ્યું કે તેને આમ કરવા બદલ કોઈ અફસોસ નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે તેના બે નજીકના મિત્રોની હત્યામાં મૂસેવાલાનો હાથ હતો.

Sidhu moosewala
Sidhu moosewala

લોરેન્સ બિશ્નોઈ સાથે મળી ઘડ્યો પ્લાન

વિદેશમાં બેઠેલા ગોલ્ડી બ્રાર સાથે કામ કરતા ગુંડાઓ પણ ખૂબ કુખ્યાત છે. જેમાં સૌથી મોટું નામ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનું છે. જે ગોલ્ડી બ્રાર સાથે નજીકથી કામ કરે છે. કહેવાય છે કે બિશ્નોઈ જેલમાંથી જ કોઈને પણ મારવાનો કોન્ટ્રાક્ટ લે છે. એ જ રીતે સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. બ્રારના કહેવા પર બિશ્નોઈએ તેના સાગરિતોને સૂચના આપી અને 29 મેના રોજ પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાઈ હતી. કારમાં મૂસેવાલા જઈ રહ્યો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ કરાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ કેસમાં અત્યારસુધી પોલીસે અનેક શૂટર્સ અને ગેંગસ્ટર્સની ધરપકડ કરી છે.

Back to top button