બીજા તબક્કા માટે ધુરંધરો મેદાને, આજે PM મોદી-શાહ ગજવશે સભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સરેરાશ 60 થી 61 ટકા મતદાન થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. ત્યારે, PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર કરશે.
બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર
બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાઓને ગજવશે. જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં PM મોદી જાહેર જનસભાઓને સંબોધશે.
આ 4 જિલ્લાઓમાં આજે PMની જાહેરસભા
- બનાસકાંઠાનું કાંકરેજ
- પાટણનું યુનિવર્સિટી ગ્રાઉન્ડ
- આણંદનું સોજીત્રા
- અમદાવાદનું સરસપુર
મહત્વનું છે કે, 5મી ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.
અમિત શાહનો 3 જિલ્લામાં ચૂંટણી પ્રચાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બીજા તબક્કાની ચૂંટણીને લઇ આજે ધુંઆધાર પ્રચાર કરશે. અમિત શાહ આજે 3 જિલ્લાઓમાં જનસભાઓને સંબોધશે. જેમાં મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં અમિત શાહ જાહેરસભા કરશે. અમિત શાહ આજે મહેસાણાના બેચરાજી અને વિજાપુરમાં, અમદાવાદના ચાંદખેડામાં જાહેર જનસભાને સંબોધશે. તો બીજી બાજુ વડોદરામાં પણ અમિત શાહનો રોડ-શો યોજાશે.
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે પૂર્ણ થઇ ગયું છે. હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.