કોંગ્રેસ ક્યારેય સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ નહીં આપી શકે : યોગી આદિત્યનાથ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની 9 બેઠકો માટે બીજા ચરણમાં આગામી તારીખ 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે. જેમાં ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિશાળ જનસભા ધાનેરા ખાતે યોજાઇ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આપ બંને પક્ષ લોકોને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ ક્યારેય આપી શકશે નહીં. માટે તમારો વોટ બ ગાડશો નહીં. તેમ જણાવીને ભાજપના ધાનેરાના ભાજપના ઉમેદવારને સમર્થન આપી તેમને વિજયી બનાવવા અપીલ કરી હતી.
ધાનેરામાં યોજાઈ વિશાળ જનસભા
મુખ્મંત્રીશ્રી યોગી આદિત્યનાથે ગુજરાતના ગાંધીજી અને સરદાર પટેલે દેશને આપલા યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે, આઝાદી ના આંદોલનનું નેતૃત્વ ગુજરાતમાંથી ગાંધીજીએ કર્યું હતું. જ્યારે સરદાર પટેલે તેમની સૂઝબુઝ અને દ્રઢ ઈચ્છા શક્તિથી દેશના રજવાડા એક કર્યા હતા. જેથી તેમને ભારતના શિલ્પી કહેવામાં આવે છે.આ લોખંડી પુરુષ પણ ગુજરાતે જ આપ્યા હતા. 1947 માં આઝાદીના સમયે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ દેશ આઝાદ થયો ત્યારે તેમાં જોડાણ કરવા માગતા ન હતા. પરંતુ સરદાર પટેલે એક વાત કહી કે, જ્યારે હું ત્યાં આવીશ ત્યારે આપોઆપ તે ભારતનો હિસ્સો બની જશે.
યોગી આદિત્યનાથ એ 2014 પહેલા આતંકવાદ, અલગતાવાદ તેમજ લોકોમાં નારાજગી અને આંદોલનો ચાલી રહ્યા હતા તેમ જણાવીને કહ્યું હતું કે, આ દરમિયાન 2014 માં જ ગુજરાતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે આપ્યા હતા. આજે તેમના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આઝાદીનો અમૃત મહોત્સવનું વર્ષ છે ત્યારે દુનિયામાં વિકસિત ગણાતા મોટા દેશનું સંગઠન જી-20 ઓળખાય છે. તેના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે આગામી એક વર્ષ શાંતિ અને સૌહાર્દની રૂપરેખા પણ હવે તૈયાર થશે.
બ્રિટનને પછાડી ભારત 5મી અર્થવ્યસ્થા બન્યું
યોગી આદિત્યનાથ એ ભારત ઉપર બ્રિટને 200 વર્ષ કરેલા શાસનને પણ યાદ કરાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, હવે બ્રિટનને પછાડીને આજે ભારત દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા બની છે. જે પ્રજાના પુરુષાર્થ અને પરિશ્રમના કારણે સંભવિત બન્યું છે. તેમને બનાસકાંઠા જિલ્લાની બોર્ડરને પણ મહત્વપૂર્ણ ગણાવીને હવે આ બોર્ડર પણ સુરક્ષિત બની ગઈ છે તેમ ઉમેર્યું હતું.
ગુજરાત કરફ્યૂ મુક્ત બન્યું
ગુજરાતમાં અગાઉ 2002માં થયેલા કોમી તોફાનો યોગીએ યાદ કરાવ્યા હતા. તેમને કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા બાદ કોમી તોફાનો બંધ થયા છે તેમજ કર્ફ્યુ મુક્ત ગુજરાત બન્યું છે. અને ભારત વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યું છે.
કોંગ્રેસ અયોધ્યા મંદીર બને તેવું ઈચ્છતી નહતી
ત અયોધ્યા મંદિર અંગે બોલતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની ઈચ્છતી નહોતી કે, રામ મંદિર બંને. પરંતુ 500 વર્ષ પછી અયોધ્યા મંદિરનું કામ શરૂ ભાજપની સરકાર આવતા જ થયું છે. ઉજ્જૈન, કેદારનાથ, સોમનાથ, અંબાજી જેવા આસ્થા ના કેન્દ્રોનો પણ વિકાસ થઈ રહ્યો છે.
ભાજપ જ શાંતિ, સુરક્ષા આપી વિકાસ કરશે
યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આપ બંને પક્ષોને આડે હાથ લીધા હતા. તેમને જણાવ્યું હતું કે, આ બંને પક્ષો સુરક્ષા અને વિકાસ માટે અવરોધ રૂપ છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર સાતમી વખત બનવા જઈ રહી છે તેમાં કોઈ શંકા નથી, તેમ જણાવીને ધાનેરાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલ વિજય બને તે માટે તેમને સમર્થન કરીને ભારે મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમને સુરક્ષા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે,અગાઉ ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હતી. તે અંગે બોલતા જણાવ્યું હતું કે, યુપીમાં રમખાણ અને તોફાનો થતા હતા. એ તોફાનો કરવાવાળા હવે શાંત થઈ ગયા છે. અને શાકભાજી વેચી રહ્યા છે. આ કામ માત્ર ભાજપ જ કરી શકે. બધાને સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન ભારતીય જનતા પાર્ટી જ આપી શકે તેમ છે તેમ તેઓએ ઉમેર્યું હતું. ધાનેરા ખાતે યોજાયેલી યોગી આદિત્યનાથની જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને છેલ્લે સભાના અંતે યોગી આદિત્યનાથે જય શ્રી રામનો જય ઘોષ બોલાવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં રોડ શો દરમિયાન કેજરીવાલે પંજાબના ફ્રી વિજળી બિલ લોકોની વચ્ચે ફેક્યાં