ગુજરાતનું એક મતદાન મથક એવું જ્યાં 100 ટકા મતદાન 11 વાગ્યે જ પૂર્ણ થઈ ગયું
આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ બધાની વચ્ચે એક એવુ મતદાન મથક પણ છે, જ્યાં માત્ર એક જ મતદાતા છે. આ મતદાતા એટલે ગીર સોમનાથમાં આવેલા બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ.
હરિદાસ બાપુ આ વિસ્તારના એક માત્ર રહેવાસી છે. મધ્ય ગીરની અંદર માત્ર એક મતદાતા માટે મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. તેઓ તેમની જગ્યા છોડી શકતા નથી અને આ કારણે ફક્ત એક વ્યક્તિ માટે અહીં પોલિંગ બુથ ઉભુ કરવામાં આવે છે.
ગીર સોમનાથના ઉના વિધાનસભા ક્ષેત્રમાં આવતુ અને જામવાળા ગીરથી 25 કિમી દુર નેશનલ પાર્કમાં આવેલુ બાણેજ મતદાન મથક આ કારણે ખાસ બન્યુ છે, કેમકે અહીં માત્ર એક જ વોટર છે. એક મત માટે ચુંટણીપંચ આખુ પોલિંગ બુથ ઉભુ કરે છે. હરિદાસ બાપુએ સવારે 11 વાગ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અહીંના એક માત્ર વોટર હરિદાસ બાપુ માટે 15 વ્યક્તિનો ઇલેક્શનનો સ્ટાફ હાજર રહે છે અને બુથ ઉભુ કરવાથી લઇને તમામ પ્રકારની જવાબદારી સંભાળે છે. બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુ અહીં આવીને અચુક મતદાન કરે છે.
આ પણ વાંચોઃ ભારે વિરોધ સાથે આ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર