ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનાને આજે એક મહિનો, લોકોનો એક જ પ્રશ્ન ઠોસ કાર્યવાહી ક્યારે?

Text To Speech

મોરબીઃ મોરબી ઝૂલતો પુલ તૂટવાની એ ગોઝારી ઘટનાને આજે એક મહિનો થયો છે. 141 નિર્દોષ લોકોના ભોગ લેનારી એ ઘટના ચૂંટણીના દેકારા વચ્ચે દબાઈ ગઈ છે. આ ઘટનામાં જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના માટે આ ઘટના જિંદગીભરનું એક દુસ્વપન સમાન બની રહ્યું છે. આ ઘટનાના કેસની વાત કરીએ તો હાલ પોલીસે સિક્યોરિટી ગાર્ડ, ટિકિટ આપનાર, મેનેજર સહિત 8 જેટલી નાની માછલીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવાનો સંતોષ માની રહી છે. જ્યારે ઓરેવાના માલિકને ઉની આંચ પણ આવી નથી, ત્યારે ચર્ચા છે કે તેઓ વિદેશ ભાગી ગયા છે.

દિવાળીનું વેકેશન પૂર્ણ થાય તે પહેલાંનો છેલ્લો રવિવાર મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. 30મી ઓક્ટોબરે સાંજે ઝુલતા પૂલ પર મોજમસ્તી કરી રહેલા લોકોનો આનંદ આખરી બની રહ્યો. તંત્ર અને ઝૂલતા પુલની દેખરેખની જવાબદારી લેનાર ઓરેવા કંપનીના વાંકે 141 જેટલાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. 30 ઓક્ટોબરે સાંજે બનેલી દુર્ઘટના બાદ આખા શહેરમાં માતમ છવાયો અને આખી રાત શહેર એમ્બ્યુલન્સની સાયરનથી ગુંજતુ રહ્યું. હોસ્પિટલમાં મૃતદેહ રાખવાની જગ્યા પણ ન હતી.

આવડી મોટી ઘટના હોય અને સરકાર દ્વારા તપાસ ન થાય તેવું કેમ બને. ત્યારે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પણ તપાસ નામે સરકાર દ્વારા નાટક જ કરવામાં આવ્યું. જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી નહીં, કે ઓરેવાના જયસુખ પટેલ સુધી પણ પહોંચવામાં પણ ઢીલું વલણ રાખવામાં આવ્યું. સરકાર આવી ઘટના પ્રત્યે સંવેદનશીલ છે તે દેખાડવા માટે 31 ઓક્ટોબરે ફરિયાદ કરી અને કંપનીના મેનેજર, ટિકિટ ફાળવનાર, સિક્યોરિટી ગાર્ડસ રીનોવેશનનું કામ લેનાર પેટા કોન્ટ્રાક્ટર સહિતના 8 લોકોની ધરપકડ કરી છે, તેમજ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટનાને આજે એક મહિનો પૂરો થયો પરંતુ આગળ શું? આ કેસમાં હજુ સુધી કેમ કોઈ ઠોસ કાર્યવાહી કરાઈ નથી? કે પછી ચૂંટણીના પડઘમ વચ્ચે મોરબી દુર્ઘટનાના હતભાગીઓની ચીસ દબાઈ ગઈ છે. ટેવ મુજબ લોકો પણ મોરબીની દુર્ઘટનાને ભૂલી ગયા છે પરંતુ આ ઘટનામાં ભોગ બનેલા પરિવારના લોકો આ દુર્ઘટનાને જીવનભર ભૂલી શકશે નહીં. ત્યારે આ લોકોને ન્યાય મળશે કે તપાસ, કમિશનના નામે વર્ષો સુધી આ કેસ પણ ફાઈલના ઢગલામાં દબાઈ જશે.

Back to top button