નેશનલ

ફિરોઝાબાદમાં મકાનમાં આગ લાગતા પાંચ લોકો ભડથું થયા, સીએમએ સંવેદના વ્યક્ત કરી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના કસ્બા પડધામ સ્થિત એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગની લપેટમાં ચાર લોકો જીવતા દાઝી ગયા હતા. જેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કે એકને સારવાર અર્થે લાવતા તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે સમીક્ષા કરી સીએમ યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે અહીં ઇન્વર્ટર બનાવવાનું કામ ઘરમાં જ થતું. જેના પગલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની સાત જેટલી ગાડીઓએ મોડી રાત સુધી કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં પાંચ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ ડીએમ અને એસએસપીની સાથે શિકોહાબાદ અને જસરાના સર્કલની ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

આગ ઓલવવાની પ્રક્રિયા મોડી ચાલુ થઈ

મળતી માહિતી મુજબ, કસ્બા પડધામમાં રહેતા રમણ પ્રકાશના ઘરમાં મોડી સાંજે આગ ફાટી નીકળી હતી. આ અંગે આસપાસના લોકોને જાણ થતાં તેઓએ આગ પર કાબૂ મેળવવાની સાથે ફાયર વિભાગને જાણ કરી હતી. લગભગ એક કલાક સુધી ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી ન હતી. દરમિયાન આગ ઘરમાં બનેલી ત્રણ દુકાનો સાથે ભોંયરામાં ફેલાઈ ગઈ હતી. લગભગ એક કલાક બાદ ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાર બાદ જ આગ ઓલવવાની પ્રક્રિયા શરૂ થઈ શકી હતી. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી ફાયર વિભાગની ગાડીઓ કાબુમાં આવી શકી ન હતી.

ફાયર વિભાગ મોડું પહોંચતા આગ ફેલાઈ

જિલ્લામાં હાજર ફાયર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા. આ પછી પણ ફાયર વિભાગના કર્મચારીઓ રાત્રે 9.30 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવી શક્યા ન હતા. ડીએમ રવિરંજન અને એસએસપી આશિષ તિવારી સ્થળ પર પહોંચ્યા જ્યાં તેઓ ગુસ્સે થયેલા લોકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા સાથે જ લોકોએ જણાવ્યું કે જો ફાયર વિભાગની ગાડી સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હોત તો આગ આટલી વિકરાળ ન બની હોત. ફાયર વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે આગ એટલી વિકરાળ બની છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

આગની ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ સૂચના આપી છે. આ દુર્ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Back to top button