ગુજરાત ચૂંટણી : વેરાવળ આવેલા કનૈયા કુમારે મોરબીના ગુનેગારોને પકડવાને લઈ આપ્યું આ નિવેદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વેરાવળના ટાવર ચોકમાં મોડી સાંજે યોજાયેલી સભાને સંબોધતા કનૈયા કુમારે આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશમાં કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા માટે સક્ષમ છે. મોરબીની પુલ તૂટયાની ગોઝારી દુર્ઘટનાને ટાંકીને કટાક્ષભર્યા પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાનું યુદ્ધ શાંત કરાવવામાં વ્યસ્ત હશે. જેથી મોરબીમાં પુલ તુટ્યોએ કેસમાં ગુનેગારોને હજુ સુધી પકડી શક્યા નથી.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર
જય શાહે 50 કરોડની કંપની 300 કરોડની બનાવી નાંખી
જ્યારે જય શાહ વિશે ટિપ્પણી કરતા સમયે રાજકીય વિવેક ચૂક્યા હોય તેમ તેમણે કહ્યું હતું કે, મોટાભાઈના દીકરાએ 50 લાખની કંપનીને 300 કરોડની બનાવી દીધી. આમાં તેની કોઈ સ્કીલ નથી તેનો બાપ મંત્રી છે એટલે તેની પાસે રૂ.300 કરોડ છે. વધુમાં કનૈયા કુમારે ગુજરાતના લોકોને કહ્યું હતું કે, તમે ગુજરાત બદલશો તો દેશ બદલાશે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે. એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દુર કરવું હોય તો ગુજરાતમાં ભાજપને હરાવવું પડશે તેવી સાંકેતિક ભાષામાં લોકોને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું તમારી અને અમારી સમસ્યા એક જ છે. જેનું નિરાકરણ આવી રીતે જ લાવી શકાય.
આ પણ વાંચો : Vote માટે નોટ, ભાજપના ખેસ પહેરીને લોકોને પૈસાની વહેંચણી, જાણો શું છે સત્ય ?
ધંધો ટકાવી રાખવા AAP ના ઉમેદવાર પાંચ વર્ષે પાર્ટી બદલે છે
સભાના અંતમાં સ્થાનીય કોંગ્રેસી ઉમેદવાર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આપના ઉમેદવાર દર પાંચ વર્ષે પાર્ટી બદલે છે. કારણ કે તેમને પોતાનો ધંધો ટકાવી રાખવો છે. તેમણે અમિત શાહના આશીર્વાદ લઈને ગત ચુંટણી સમયે મારી સભામાં રમખાણો થાય એ પ્રકારની સ્પીચ આપી હતી. તેમ છતાં પણ જનતા અને સોમનાથ દાદાના આશીર્વાદ થકી હું જંગી લીડ સાથે જીતીને આવ્યો હતો.