ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્રની નવતર પહેલ: ગત વિધાનસભા ચૂંટણીમાં ઓછુ મતદાન થયું હોય એવા વિસ્તારોમાં મતદારોને લખી કંકોત્રી

  • મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં યોગદાન આપવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

પાલનપુર : રાજ્ય વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત 5 મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની તમામ નવ વિધાનસભા મતવિસ્તારની બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીનો અવસર ઉજવાય એ માટે તંત્ર સજ્જ બન્યું છે. આપણા સ્વાતંત્ર્યવીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમ કૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે ત્યારે આ મતાધિકારનો દરેક નાગરિક ઉપયોગ કરી શકે એ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓછુ મતદાન થયું હોય તેવા મતદાન મથકોના મતદારોને કંકોત્રી દ્વારા મતદાનનું નિમંત્રણ પાઠવી મતદાર જાગૃતિની નવતર પહેલ કરવામાં આવી છે.

મતદાન -humdekhengenews

આ કંકોત્રીમાં અવસરનું આગણું – મતદાન મથક, અવસરની તારીખ- ૫ મી ડિસેમ્બર સવારે- 8: 00 થી સાંજે-5 : 00 વાગ્યા સુધીનો સમય દર્શાવી ચૂંટણીના પવિત્ર અવસરમાં સમયસર પધારી મતદારોને તેમના મતાધિકારના પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં યોગદાન થકી આ અવસરને દીપાવવા સૌને જિલ્લા ચૂંટણી તંત્ર બનાસકાંઠા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્યારે લગ્નસરાની મોસમમાં પધારવા માટે સ્વજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવાય છે એ જ રીતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ લોકશાહીના આ અવસરને દીપાવવા કંકોત્રી દ્વારા મતદારોને નિમંત્રણ પાઠવ્યું છે.

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન માટે લોકજાગૃતિના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે. વર્ષ-૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયું હોય એ મતદાન મથકો પર જાગૃતિ માટે અધિકારીઓ દ્વારા રૂબરૂ જઇ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે લોકશાહીની અમૂલ્ય ભેટ અને લોકશાહીને ધબકતી રાખવા ભારતના સંવિધાન દ્વારા આપવામાં આવેલ મતદાનનો પવિત્ર અધિકાર “તમારું આગમન એજ લોકશાહીનો ધબકાર” સૂત્ર દ્વારા લગ્નની કંકોત્રીની જેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા નવીન પ્રયોગ કરાયો છે. જેના થકી જિલ્લામાં વધુને વધુ મતદાન અને સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર

Back to top button