ગુજરાતમાં AAPને કેટલી સીટો મળશે? કેજરીવાલે કરી ‘ભવિષ્યવાણી’
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પહેલા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રચારમાં પુરી તાકાત લગાવવાની સાથે તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું છે કે તેમની પાર્ટી 92થી વધુ સીટો કબજે કરી શકે છે. 182 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 92 સીટોની જરૂર છે.
આ પણ વાંચો: રાજા કી આયેગી બરાત… વચ્ચે ચૂંટણીનું કામ, રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં
AAP સુરતમાં 12માંથી 7થી 8 સીટો કબજે કરશે
અરવિંદ કેજરીવાલે આ પણ ‘આગાહી’ કરી હતી કે તેમની પાર્ટી સુરતમાં 12માંથી 7થી 8 સીટો કબજે કરી શકે છે. પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે અમને 92થી વધુ સીટો મળી રહી છે. હું તમને એટલું જ કહીશ કે અમને સુરતમાં 7-8 બેઠકો મળી રહી છે અને AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામ વિધાનસભા બેઠક પર જંગી માર્જિનથી જીતી રહ્યા છે.
ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પર જંગી માર્જિનથી જીતશે
AAP કન્વીનરે વધુમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પર જંગી માર્જિનથી જીતવાના છે ત્યારે અલ્પેશ કથેરિયા પણ વરછા બેઠક પર જંગી માર્જિનથી જીતશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં
ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે. પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે. નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે. સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.