ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

જયરાજસિંહના નિવેદન બાદ હવે અનિરુદ્ધસિંહ મેદાનમાં, વિવાદ વધતા ગોંડલ બેઠક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા ECની સુચના

ગોંડલઃ ગોંડલ વિધાનસભાની ચૂંટણીને લઈને ટેન્શન વધી રહ્યું છે. આ બેઠક હવે રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ રહી છે. ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની પત્રકાર પરિષદ પર સહુ કોઈની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે.

ચૂંટણી પંચ એલર્ટ
ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓને તહેનાત કરાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી જાહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ એલર્ટ મોડ પર આવી ગયું છે.

ગોંડલમાં વધુ બંદોબસ્ત આપવા પોલીસને ચૂંટણીપંચનો નિર્દેશ
ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે  ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત  બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી હતી. ત્યારે રેન્જ IGએ જણાવ્યું કે, ગોંડલ બેઠક સૌરાષ્ટ્રની સૌથી વધુ સંવેદનશીલ બેઠક છે. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલ બેઠક વધુ પોલીસ ફોર્સ રખાશે. રાજકોટ રૂરલ SPને આ માટે સૂચના અપાઈ છે.

ગોંડલ સંવેદનશીલ બેઠક
આ સંવેદનશીલ મતદાન મથકોમાં મુંગા વાવડી, રીબડા, પીપળીયા, સિંધાવદર, ભૂણાવા, પતીયાળી, બેટાવડ, લુણીવાવ, નાગડકા, ત્રાકુડા, ડેયા, વાછરા, ખાંડાધાર, ગુંદાળા, ઘોઘાવદર, મોવિયા સહિતના બુથનો સમાવેશ થાય છે. ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચુંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને આ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે.

વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી અર્જૂન કટારિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત થઈ હતી.

Back to top button