સ્પોર્ટસ

ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ફટકારી બેવડી સદી

ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા અને મહારાષ્ટ્રની ટીમની કેપ્ટનશીપ કરી ચૂકેલા ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તોફાની કરીને વિપક્ષી ટીમના હોશ ઉડાવી દીધા હતા. ગાયકવાડે ઉત્તર પ્રદેશની ખતરનાક બોલિંગ લાઇન-અપ સામે બેવડી સદી ફટકારી. એટલું જ નહીં તેણે આ મેચમાં એક જ ઓવરમાં 7 સિક્સ પણ ફટકારી હતી. આ રીતે તેણે એક જ મેચમાં બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. જમણા હાથના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 138.36 હતો. તેણે છેલ્લી બે ઓવરમાં 9 સિક્સર ફટકારી હતી. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેણે એક જ ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી. આ ઓવર ઇનિંગની 49મી ઓવર હતી, જેમાં શિવા સિંહે 7 સિક્સર સહિત કુલ 43 રન બનાવ્યા હતા, કારણ કે એક બોલ નો બોલ હતો, ઋતુરાજ ગાયકવાડે તેના પર પણ સિક્સર ફટકારી હતી.

અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, પ્રોફેશનલ ક્રિકેટમાં પહેલીવાર કોઈ બેટ્સમેને એક ઓવરમાં આટલા રન બનાવ્યા છે અને આટલા સિક્સર ફટકાર્યા છે. અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. જો કે આ પહેલા પણ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 43 રન બની ચૂક્યા છે, પરંતુ તેમાં બે નો બોલ સામેલ હતા. બે અલગ-અલગ બેટ્સમેનોએ પણ તે ઓવરમાં આટલા રન ઉમેર્યા હતા, પરંતુ ગાયકવાડે તે એકલા હાથે કર્યા છે.

ઋતુરાજ ગાયકવાડે આ સિઝનમાં વિજય હજારે ટ્રોફીની અત્યાર સુધી માત્ર બે જ મેચ રમી છે. એક મેચમાં તેણે સદી (અણનમ 124) ફટકારી અને એક મેચમાં 40 રન બનાવ્યા. નિર્ણાયક મેચમાં તેણે બેવડી સદી ફટકારીને ટીમને મજબૂત બનાવી, કારણ કે યુપી સામે બીજા છેડેથી વિકેટો પડી રહી હતી અને રન રેટ પણ ધીમો હતો. તેણે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી ગતિએ બેટિંગ કરી અને ટીમને 330 સુધી પહોંચાડી. જો મહારાષ્ટ્રની ટીમ આ મેચ જીતશે તો તેને સેમિફાઇનલની ટિકિટ મળી જશે.

આ વર્ષે તેણે ત્રણમાંથી બે ઇનિંગ્સમાં સદી ફટકારી છે

જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઋતુરાજ ગાયકવાડનું બેટ ઘણું સારું હતું. તેણે આ ટૂર્નામેન્ટની 5 માંથી 4 ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. આ વર્ષે તેણે ત્રણમાંથી બે ઇનિંગ્સમાં સદી ફટકારી છે, જે દર્શાવે છે કે તેને આ ફોર્મેટ કેટલું પસંદ છે. આ મેચની વાત કરીએ તો, તેણે 109 બોલમાં પ્રથમ સદી પૂરી કરી હતી અને તેણે પછીના 120 રન માત્ર 50 બોલમાં બનાવ્યા હતા. તેણે લિસ્ટ A ક્રિકેટમાં ભારત માટે એક ઇનિંગમાં 16 સિક્સર મારવાના રોહિત શર્માના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

આ પણ વાંચો : ફિફા વર્લ્ડ કપમાં ધોની બાદ છવાયો સંજુ સેમસન : સમર્થનમાં ઊતર્યા ચાહકો

Back to top button