વિવાદો બાદ રિવાબાએ રવિન્દ્ર જાડેજાની ઈન્ડિયન ટીમની જર્સીવાળી ટ્વીટ હટાવી, AIMIMએ BCCIને નિયમ યાદ કરાવ્યા
જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે 1લી ડિસેમ્બરે થવાનું છે. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનું રાજકીય ભાવિ નક્કી થશે. ત્યારે આ હાઈપ્રોફાઈલ બેઠક ભારે ચર્ચામાં રહે છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમની જર્સીવાળા ફોટાનો ઉપયોગ કર્યો હતો. જેની પહેલાં આપના નેતાઓએ નિંદા44 કરી જે બાદ આ વિવાદે તુલ પકડ્યું હતું. વિપક્ષી પાર્ટીઓ વિભિન્ન રીતે રિવાબા અને રવિન્દ્ર જાડેજાને ટાર્ગેટ કરી રહ્યાં છે. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે BCCIને સવાલ કર્યો છે કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કરવો કોન્ટ્રાક્ટના નિયમ વિરૂદ્ધ નથી?
વારિસ પઠાણે શું કહ્યું?
વારિસ પઠાણે ટ્વીટ કરી સવાલ કર્યો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને એક રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું ખેલાડીઓના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન નથી? શું આ BCCI મુજબ હિતોનો ટકરાવ નથી?
Isn't wearing the jersey of Indian Cricket team & indulging in promotion of a political party a breach of contract of player and also conflict of interest according to @BCCI ? pic.twitter.com/zHGBcKFdJ7
— Waris Pathan (@warispathan) November 27, 2022
વિવાદ વધતા રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશોટને રિટ્વિટ કરીને તેને ટ્વીટર હેન્ડલ પરથી હટાવી દીધા છે. સાથે રિવાબાના એકાઉન્ટથી પણ આ ટ્વીટ ડિલીટ કરી દેવાઈ છે.
ભાજપે આ વખતે ધર્મેન્દ્રસિંહ જાડેજાને બદલે રિવાબા પર વિશ્વાસ મૂક્યો
ભાજપે રિવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે પરંતુ રિવાબાનો ન તો આ પહેલાં કોઈ રાજકીય અનુભવ રહ્યો છે, કે ન તો તેઓ કોઈ ચૂંટણી લડ્યા છે. આ રિવાબાની ધારાસભ્ય તરીકે પહેલી ચૂંટણી છે. ભાજપના હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાઈડલાઈન કરી રિવાબાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપનું આ પગલું ઘણું જ આશ્ચર્યનજક હતું. રિવાબા અવારનવાર સામાજીક કાર્ય કરતા રહે છે બીજું ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની છે ત્યારે તેઓ લોકપ્રિય ઘણાં જ છે,પરંતુ જીત મેળવવા માટે રિવાબા સામે પડકાર ઓછા નથી. જામનગર ઉત્તર બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કરે છે. ત્યારે આ નણંદ-ભાભી વચ્ચેની લડાઈનું પરિણામ શું આવશે તે 8 ડિસેમ્બરે જ ખબર પડશે.