મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. નાગપુર ડીવીઝનના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી. મતલબ કે લોકો 60 ફૂટની ઊંચાઈએથી ટ્રેક પર નીચે પડી ગયા છે. આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જેમાંથી 8ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
શું કહ્યું ઘટનાને નજરે જોનાર વ્યક્તિઓએ ?
ઉલ્લેખનીય છે કે, ઘણા મુસાફરો કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુલ તૂટી પડવાની ઘટના પર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ઘટના લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે અચાનક પુલ વચ્ચેથી નીચે આવી ગયો હતો. રેલવેએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન લગભગ 20 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 13ની માહિતી સામે આવી છે.
કોઈની મૃત્યુની જાણકારી નહીં : મધ્ય રેલવે સીપીઆરઓ
આ ઘટના અંગે મધ્ય રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે નાગપુર ડિવિઝનમાં બલ્હારશાહ ખાતે ફૂટ ઓવર બ્રિજનો પ્રી-કાસ્ટ સ્લેબનો ભાગ રવિવારે સાંજે લગભગ 5.10 વાગ્યે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. તમામને પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.