વડોદરાની સાવલી બેઠક પરના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારે એકબીજાની આંગળી કાપવાની ધમકીઓ આપી, વીડિયો વાયરલ
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે. એક સપ્તાહ બાદ જ પ્રથમ ફેઝનું મતદાન થશે. ત્યારે હવે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ભારે આક્રમક રીતે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર એકબીજાને જોઈ લેવાની અને આંગળી કાપવાની ધમકીઓ આપી રહ્યાં છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો જોવા મળી રહી છે.
હું ખબર પાડી દઈશઃ કેતન ઈનામદાર
કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી અને ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એક સભાને સંબોધતી વેળાએ જણાવ્યું હતું કે, 8 તારીખ પછી બરોડા ડેરીમાં ભાવ વધારો અને ભાવ ફેર તેમજ બરોડા ડેરીના માલિકો દૂધ ઉત્પાદકો છે તેવી ખબર ન પાડી દઉં તો મારૂં નામ કેતન ઈનામદાર નહીં, અને તાલુકાના દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓને જણાવ્યું હતું કે, મહેરબાની કરીને પાપના ભાગીદાર ન થતા. તાલુકાની મા બેનનો સાડીનો છેડો છાણમાં બગડે છે દૂધની આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
દૂધમાં કેવા ગોટાળા થાય છે તેવું મને બે વર્ષથી ખબર પડી છે અને તે માટે કુલદીપસિંહનો આભાર માનીશ કે એમને ખબર પડી 8 તારીખ બાદ હું તેમને પણ ખબર પાડી દઈશ અને પાછલા 13 વર્ષના પોપડા ઉખેડીશ તેવું જણાવીને પોતાની જાહેર સભામાં હુંકાર ભર્યો હતો.
કુલદીપસિંહનો જવાબ
કેતન ઇનામદારના હુંકારના જવાબમાં કુલદીપસિંહે પોતાની સભામાં જવાબ આપતા કહ્યું હતું કે, મારા સાવલી ડેસર તાલુકાના ડેરીના પ્રમુખ મંત્રીઓને જો આંગળી અડાડી છે તો આંગળી કાપી ના લવ તો મારું નામ કુલદીપ સિંહ નહીં. આ બંને ઉમેદવારોની સભાની વીડિયો ક્લીપ વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે અને આવનાર સમયમાં સાવલી વિધાનસભાની ચૂંટણી ભારે રસપ્રદ અને તોફાની બને તો નવાઈ નહીં.