સ્પોર્ટસ

FIFA WORLD CUP: આર્જેન્ટીનાએ મેક્સિકો સામે 2-0થી જીત મેળવી, આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત

કતારઃ FIFA વર્લ્ડ કપ 2022 આર્જેન્ટિનાએ આખરે કરો યા મરોની મેચમાં મેક્સિકોને હાર આપી હતી. શનિવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0થી હરાવ્યું અને આગામી રાઉન્ડમાં પહોંચવાની તેની આશા જાળવી રાખી હતી. આર્જેન્ટિના તરફથી આ મેચમાં લિયોનેલ મેસ્સી અને એન્ઝો ફર્નાન્ડિઝે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાના આ વિજયે ગ્રૂપ-Cમાં રાઉન્ડ ઓફ 16 રેસને રસપ્રદ બનાવી દીધી છે. ગ્રૂપ-Cને આમ પણ આ વખતના વર્લ્ડ કપનો ડેથ ઓફ ગ્રૂપ કહેવામાં આવે છે.

સાઉદી અરેબિયા સામે તેમની પ્રથમ મેચ હાર્યા બાદ આર્જેન્ટિના માટે તે કરો યા મરો મેચ હતી. જો મેસ્સીની ટીમ અહીં હારી ગઈ હોત તો તેના માટે રાઉન્ડ ઓફ 16ના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોત. ડ્રોની સ્થિતિમાં પણ તેની બહાર થવાની સંભાવના વધુ હતી. પરંતુ અહીં મેસ્સીનો જાદુ કામ કરી ગયો અને આર્જેન્ટિનાએ મહત્વની મેચ જીતી લીધી હતી.

મેચની શરૂઆતમાં મેક્સિકોની ટીમ આર્જેન્ટીના પર દબાણ કરતા નજરે પડી. મેક્સિકોએ પહેલા હાફમાં કેટલીક સારી તક બનાવી જો કે તેને ગોલમાં ન ફેરવી શક્યા. પહેલા હાફમાં એક પણ ટીમ ગોલ ન કરી શકી. બીજા હાફમાં આર્જેન્ટીનાએ જોરદાર શરૂઆત કરી. આર્જેન્ટીનાની ફોરવર્ડ લાઈન સતત ગોલ પર ત્રાટકી હતી. ટીમને મેચની 64મી મિનિટે સફળતા મળી હતી. એન્જલ ડી મારિયાના એક પાસથી લિયોનલ મેસીએ ડીની બહાર જોરદાર ગોલ કર્યો. અહીં ખેલાડીઓ અને ફેન્સનો જશ્ન જોવાલાયક હતો.

આ ગોલ બાદ મેક્સીકોએ બરોબરી કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પરંતુ તેમણે સફળતા ન મળી. 87મી મિનિટે આર્જેન્ટીનાની ટીમે વધુ એક ગોલ કર્યો. સબસ્ટિટ્યૂટ પ્લેયર એન્જો ફર્નાન્ડિઝે એક શાનદાર ગોલ કરીને પોતાની ટીમની લીડ ડબલ કરી. આ જીતની સાથે જ આર્જેન્ટીના હવે ગ્રૂપ-સીમાં બીજા નંબરે પહોંચી ગઈ છે.

ગ્રૂપ-Cનો જંગ રસપ્રદ બનશે
ગ્રૂપ-Cમાં આર્જેન્ટીના, મેક્સિકો, પોલેન્ડ અને સાઉદી આરબની ટીમ છે. આ ગ્રૂપની છેલ્લી બે મેચ જ રાઉન્ડ ઓફ 16ના ટિકિટ ફાઈનલ કરશે. અહીં પોલેન્ડ 4 પોઈન્ટ પર પહેલા નંબરે છે. આર્જેન્ટીના 3 પોઈન્ટની સાથે બીજા નંબરે, સાઉદી આરબ પણ 3 પોઈન્ટની સાથે ત્રીજા નંબરે છે. જ્યારે મેક્સિકો 1 પોઈન્ટ સાથે છેલ્લા નંબરે છે. છેલ્લી બે મેચમાં આર્જેન્ટીનાની ટક્કર પોલેન્ડ સામે અને મેક્સિકોની સાઉદી આરબ સામે રમશે.

Back to top button