પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાનની મોટી જાહેરાત, પીટીઆઈ તમામ વિધાનસભામાંથી આપશે રાજીનામા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાને જાહેરાત કરી કે તેમની પાર્ટીએ તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના સભ્યો તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે. અમે આખી એસેમ્બલી છોડી દઈશું. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ ભ્રષ્ટ સરકારમાંથી આપણે બહાર નીકળીએ એ જ સારું છે.
રાવલપિંડી ખાતે યોજાયેલ લોંગ માર્ચ દરમિયાન કરાઈ જાહેરાત
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ પાકિસ્તાનમાં લોકોમાં ભારે રાજકીય બયાનબાજી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમની અગાઉની જાહેરાત અનુસાર, ઇમરાન ખાન શનિવારે રાવલપિંડી તેમની પાર્ટી પીટીઆઈની લોંગ માર્ચને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના પર બીજા હુમલાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે હું મોતથી ડરતો નથી, તે ત્યારે જ આવે છે જ્યારે અલ્લાહ ઈચ્છે. અલ્લાહે મને પણ બચાવ્યો છે. આ દરમિયાન ઈમરાન ખાને શરીફ પરિવાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ પીએમએ કહ્યું કે આ ચોરોએ 30 વર્ષ સુધી પાકિસ્તાન પર રાજ કર્યું અને આ ચોરોના કારણે પાકિસ્તાન પર દેવું ઘણું વધી ગયું છે.